બોમ્બે હાઇ કોર્ટ, સ્થાનિક અદાલતોને મળ્યા બૉમ્બની ધમકીના ઇમેઇલ…

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં બોમ્બે હાઇ કોર્ટ સહિત અમુક સ્થાનિક અદાલતોને બૉમ્બ મુકાયો હોવાની ધમકી આપતા ઇમેઇલ મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસની ટીમે તાત્કાલિક તમામ સ્થળે સઘન તપાસ હાથ ધરી હતી, પણ કોઇ જ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતાં બોમ્બની ધમકી અફવા સાબિત થઇ હતી.
બોમ્બે હાઇ કોર્ટ, સેશન્સ કોર્ટ અને મઝગાંવ તથા બાંદ્રાની કોર્ટના વહીવટીતંત્રને શુક્રવારે બપોરના ધમકીના ઇમેઇલ મળ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ ઇમેઇલની ગંભીર નોંધ લઇને સ્થાનિક પોલીસે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ) તથા ડોગ સ્કવોડ સાથે ઘટનાસ્થળે પહોંચીને ખૂંણેખાંચરે તપાસ કરી હતી, પણ કોઇ જ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. તપાસ માટે ઇમારતો અને પરિસર ખાલી કરાવવામાં આવ્યાં હતાં અને તપાસ બાદ નિયમિત કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કોર્ટના અધિકારીએ આ પ્રકરણે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને બોમ્બે હાઇ કોર્ટ, સેશન્સ કોર્ટ, મઝગાં અને એસ્પ્લેનેડ કોર્ટ, બાંદ્રા અને અંધેરી ખાતેની મેજિસ્ટ્રેટ કોર્ટ સહિત બે પ્રતિષ્ઠિત બૅંકને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા. એ જ દિવસે નાગપુરની કોર્ટને પણ બોમ્બથી ફૂંકી મારવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો, પણ ધમકી અફવા સાબિત થઇ હતી. (પીટીઆઇ)



