એસ્કોર્ટ ચાર્જ ચૂકવવા માટે તમે ‘સોદાબાજી’ ન કરી શકો: હાઇ કોર્ટે અબુ સાલેમની પેરોલ અરજી પર કહ્યું

મુંબઈ: જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમના વકીલે ‘અતિશય’ એસ્કોર્ટ ચાર્જ ચૂકવવામાં અસમર્થતા દાખવ્યા બાદ બોમ્બે હાઇ કોર્ટે સંકેત આપ્યા હતા કે સાલેમને ઉત્તર પ્રદેશમાં તેના વતન જવા માટે પેરોલ મંજૂર કરવા તે તૈયાર નથી.
જસ્ટિસ અજય ગડકરી અને શ્યામ ચાંડકની ડિવિઝન બેન્ચે એ સ્પષ્ટ કર્યું કે સાલેમ 17 લાખ રૂપિયાથી વધુનો એસ્કોર્ટ ચાર્જ ચૂકવવા માટે સોદાબાજી ન કરી શકે.
1993ના મુંબઈના બોમ્બબ્લાસ્ટ કેસમાં પચીસ વર્ષની સજા ભોગવી રહેલા સાલેમે તેના ભાઇ અબુ હકીમ અન્સારીના મૃત્યુના શોકમાં આઝમગઢ જિલ્લામાં તેના વતન જવા માટે પેરોલ માગ્યા છે. કોર્ટે અગાઉ સૂચવ્યું હતું કે સાલેમ પોતાના ખિસ્સામાંથી જરૂરી ચાર્જ ચૂકવીને પોલીસ એસ્કોર્ટ હેઠળ પેરોલ મેળવી શકે છે.
આપણ વાચો: ગેંગસ્ટર અબુ સાલેમની મુદતપુર્વ મુક્તિનો પ્રસ્તાવ વિચારણા હેઠળ: મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટને જણાવ્યું
મંગળવારે સાલેમનાં વકીલ ફરહાના શાહે કોર્ટને જણાવ્યું હતું કે એસ્કોર્ટ ચાજ ‘અતિશય’ છે અને રજૂઆત કરી હતી કે વર્ષોથી જેલમાં બંધ તેના અસીલની આર્થિક સ્થિતિ સારી નથી.
નાશિક રોડ જેલમાં બંધ સાલેમને પોલીસ એસ્કોર્ટ પાર્ટી માટે 17 લાખ રૂપિયાથી વધુ ચૂકવવા માટે કહ્યું છે, જે પેરોલ મંજૂર કરવામાં આવે તો તેની તેની સાથે રહેશે. જોકે સાલેમના વકીલે કોર્ટને કહ્યું હતું કે પ્રત્યર્પણ કરાયેલો અંડરવર્લ્ડ ડોન એક લાખ રૂપિયાથી વધુ ચૂકવી શકશે નહીં.
આના પર ડિવિઝન બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે તે ‘સોદાબાજી’ નહીં કરી શકે અને જો તે પોલીસ એસ્કોર્ટ હેઠળ પોતાના વતન જવા માગતો હોય તો તેણે ફરજિયાત ચાર્જ ચૂકવવો પડશે. બાદમાં કોર્ટે તેના વકીલને પેરોલની અરજી પાછી ખેંચવા માટે કહ્યું હતું અથવા તેને ફગાવી દેવામાં આવશે. વકીલે તેના અસીલ પાસેથી સલાહ લેવા માટે સમય માગ્યા બાદ સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. (પીટીઆઇ)



