આમચી મુંબઈમહારાષ્ટ્ર

નેશનલ પાર્ક અતિક્રમણથી મુક્ત કરવા હાઈ કોર્ટનો આદેશ

મુંબઈઃ સંજય ગાંધી નેશનલ પાર્કમાં ઝૂંપડાંઓને કારણે વન અધિકારીઓને પાર્કના સંચાલનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગેરકાયદે ઝૂંપડપટ્ટીવાસીઓના તાત્કાલિક પુનર્વસન માટેની નીતિ ઘડવા હાઈ કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે. આ નીતિ અમલમાં આવ્યા બાદ ઝૂંપડપટ્ટીવાસીઓનું પુનર્વસન થશે અને નેશનલ પાર્ક અતિક્રમણથી મુક્ત બનશે એવી સ્પષ્ટતા પણ અદાલતે કરી હતી.

આ હેતુસર રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા આ મામલામાં વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે અને પાત્ર ઝૂંપડપટ્ટીવાસીઓનું પુનર્વસન કરવામાં આવશે એવી આશા પણ મુખ્ય ન્યાયમૂર્તિ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ અમિત બોરકરની ખંડપીઠે વ્યક્ત કરી હતી.

નેશનલ પાર્કમાં અનેક વર્ષોથી ગેરકાયદે વસવાટ કરતા ઝૂંપડપટ્ટીવાસીઓની સમ્યક જનહિત સેવા સંસ્થાએ જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરી ઝૂંપડપટ્ટીવાસીઓના કાયમી પુનર્વસનની માંગણી કરી હતી.

નેશનલ પાર્કમાં ગેરકાયદે ઝૂંપડાઓનો મુદ્દો 1997 અને 1999માં હાઈ કોર્ટમાં આવ્યો હતો. આ અંગેની અરજીઓ પર નિર્ણય લેતી વખતે અદાલતે એ સમયે નેશનલ પાર્કમાં અતિક્રમણ દૂર કરવા અને પાત્ર ઝૂંપડપટ્ટીવાસીઓના પુનર્વસનનો આદેશ આપ્યો હતો. અલબત્ત આ ઝૂંપડપટ્ટીવાસીઓનું પુનર્વસન હજી નથી થયું. આ ઝુંપડપટ્ટીવાસીઓ છેલ્લા કેટલાક વર્ષોથી પાયાની સુવિધાઓના અભાવે દયનીય જીવન જીવી રહ્યા હોવાનો દાવો અરજદારોએ કર્યો છે.

આ પણ વાંચો :મુલુંડથી સંજય ગાંધી નેશનલ પાર્ક વચ્ચે કેબલ કાર પ્રોજેક્ટની વિચારણા

સુનાવણી દરમિયાન અગાઉનો આદેશ લાગુ પડતો હોય અને જેમણે ડિપોઝિટની રકમ જમા કરાવી દીધી હતી છે એ પાત્ર ઝૂંપડપટ્ટીવાસીઓનું પુનર્વસન કરવામાં આવશે એવી રજૂઆત થઈ હતી. રાજ્યના એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે અદાલતને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 11 હજાર ઝૂંપડપટ્ટીવાસીઓનું જ પુનર્વસન કરવામાં આવ્યું છે અને કેટલાક ટેકનિકલ કારણોસર અન્ય ઝૂંપડપટ્ટીવાસીઓનું પુનર્વસન કરવાનું બાકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button