બોમ્બે હાઈ કોર્ટની ટિપ્પણી, વાણી સ્વાતંત્ર્યતા હોય એટલે વાણી વિલાસ ના કરાય…
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે આજે વાણી સ્વાતંત્ર્યતા વિશે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે અભિવ્યક્તિ અને વાણીની સ્વતંત્રતા હોય એટલે ગમે તેવા શબ્દો ના બોલાય. વાણી સ્વતંત્રતાને નામે મર્યાદા ઓળંગવાની મંજૂરી આપી શકાય નહીં. જો આવું થાય તો સમાજ માટે તેના વિનાશક પરિણામો આવી શકે છે. આ ટિપ્પણી કરતા બોમ્બે હાઈ કોર્ટે ફેસબુક પર કંપની મેનેજમેન્ટ વિરુદ્ધ ભડકાઉ પોસ્ટ કરનારા કર્મચારીને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે આજે તમામ ટેક્નોલોજી દરેકની પાસે 24 કલાક ઉપલબ્ધ છે, અને તેના દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ ખૂબજ સરળતાથી થઇ શકે છે. જેના કારણે સોશિયલ મિડીયા પર પણ ગમે તેવી પોસ્ટ મૂકવામાં આવે છે. અને આવી વાંધાજનક પોસ્ટને લગતી પ્રવૃતિઓને શરૂઆતમાં જ રોકવામાં નહીં આવે તો તેનાથી સમાજમાં ખોટો સંદેશ જશે.
જસ્ટિસ જાધવે કર્મચારીના વકીલની એ દલીલને પણ નકારી કાઢી હતી કે તેમના ક્લાયન્ટે ઓફિસ પરિસરની બહાર ફેસબુક પર પોસ્ટ કરી હતી અને પોસ્ટને કારણે કોઈ ઘટના બની નથી. અને ખાસ એ વાત નોંધી હતી કે ભડકાઉ પોસ્ટને કારણે કોઈ પણ પ્રકારની ઘટના બની નથી એટલે કર્મચારીએ કરેલી ભૂલને અવગણી શકાય નહીં. કર્મચારીની પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે તે નફરત અને ઉશ્કેરણીથી ભરેલો છે. કર્મચારીનું વર્તન માત્ર ઓફિસમાં જ નહીં પણ ઓફિસની બહાર પણ સારું જ હોવું જોઈએ.
આ કેસ પુણે સ્થિત કંપની સાથે સંકળાયેલા કર્મચારીનો હતો. કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે પગાર ચૂકવવા બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. કર્મચારીએ ફેસબુક પર બે વાંધાજનક પોસ્ટ કરી હતી. જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. નોંધનીય છે કે કર્મચારી 2003માં કંપનીમાં જોડાયો હતો, તેની પોસ્ટ વાઇરલ થયા બાદ મે 2018માં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતો. કંપનીના આ નિર્ણયને કર્મચારીએ પુણેની લેબર કોર્ટમાં પડકાર્યો હતો. લેબર કોર્ટે કર્મચારીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આથી કંપનીએ લેબર કોર્ટના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.