રેશનલિસ્ટ ગોવિંદ પાનસરેની હત્યા: છ આરોપીના જામીન મંજૂર | મુંબઈ સમાચાર

રેશનલિસ્ટ ગોવિંદ પાનસરેની હત્યા: છ આરોપીના જામીન મંજૂર

મુંબઈ: રેશનલિસ્ટ અને લેખક ગોવિંદ પાનસરેની 2015માં થયેલી હત્યાના કેસમાં લાંબો સમય જેલમાં હોવાના આધારે બોમ્બે હાઈ કોર્ટે આજે છ આરોપીના જામીન મંજૂર કર્યા હતા. ન્યાયમૂર્તિ એ એસ કિલોરની ખંડપીઠે છ આરોપી – સચિન અંદુરે, ગણેશ મિસ્કીન, અમિત દેગવેકર, અમિત બડ્ડી, ભરત કુરાણે અને વાસુદેવ સૂર્યવંશીની જામીન અરજીને મંજૂરી આપી હતી. 2018થી 2019ની વચ્ચે અલગ અલગ તારીખે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં છે.

ન્યાયમૂર્તિ કિલોરે જણાવ્યું હતું કે ‘લાંબી કેદને ધ્યાનમાં રાખી છ આરોપીની જામીન અરજીને હું મંજૂરી આપું છું. અન્ય આરોપી – વિરેન્દ્રસિંહ તાવડે દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીની અલગથી સુનાવણી કરવામાં આવશે.

આ પણ વાંચો: પાનસરેના હત્યારા હજુ ફરારઃ એટીએસે કોર્ટને આપી માહિતી

82 વર્ષના પાનસરે પર 16 ફેબ્રુઆરી, 2015ના દિવસે મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરમાં ગોળીબાર થયો હતો અને 20 ફેબ્રુઆરીએ તેમનું મૃત્યુ થયું હતું. રેશનલિસ્ટ અને તેમનાં પત્ની ઉમા કોલ્હાપુરના સમ્રાટ નગર વિસ્તારમાં મોર્નિંગ વોક કરી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે બે મોટરબાઈક સવાર શખ્સો ગોળીબાર કરી નાસી છૂટ્યા હતા.

12 આરોપીની ઓળખ થઈ છે અને તેમાંથી 10ની ધરપકડ કરવામાં આવી છે. 10 આરોપીઓ સામે ખટલો ચાલુ છે. બે શૂટર હજી ફરાર છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી ઝડપી બનાવવા તેની રોજેરોજ સુનાવણી કરવા આદેશ આપ્યો હતો. (પીટીઆઈ)

સંબંધિત લેખો

Back to top button