લવાસા પ્રોજેક્ટ: હાઈકોર્ટે શરદ પવાર, અજિત પવાર અને સુપ્રિયા સુળેને ક્લિન ચીટ આપી…

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે સોમવારે પુણેમાં લવાસા હિલ સ્ટેશન પ્રોજેક્ટને આપવામાં આવેલી કથિત ગેરકાયદેસર પરવાનગીઓ બદલ એનસીપી (એસપી)ના નેતા શરદ પવાર, તેમની પુત્રી અને બારામતીના સાંસદ સુપ્રિયા સુળે તેમજ તેમના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે સીબીઆઈ તપાસની માગણી કરતી પીઆઈએલ ફગાવી દીધી હતી. આમ હવે પવાર પરિવારને આ કેસમાં ક્લિન ચીટ મળી ગઈ છે.
મુખ્ય ન્યાયમૂર્તી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે નોંધ્યું હતું કે અરજદાર નાનાસાહેબ જાધવ, એક વકીલ, એવી કોઈ કાનૂની જોગવાઈ બતાવવામાં નિષ્ફળ ગયા છે કે જેના દ્વારા કોર્ટ, તેના નાગરિક અધિકારક્ષેત્રનો ઉપયોગ કરતી વખતે, પોલીસને પ્રથમ માહિતી અહેવાલ નોંધવાનો નિર્દેશ આપી શકે.
જાધવની જાહેર હિતની અરજીમાં નિર્દેશ માંગવામાં આવ્યો હતો કે પુણે જિલ્લાના લવાસામાં હિલ સ્ટેશન બનાવવા માટે ગેરકાયદે પરવાનગી આપવા બદલ શરદ પવાર, સુળે અને અજિત પવાર સામે કેસ નોંધવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને આદેશ આપવામાં આવે.
ફેબ્રુઆરી 2022માં, જ્યારે જાધવે લવાસાને આપવામાં આવેલી ખાસ પરવાનગીઓને ગેરકાયદે જાહેર કરવાની માંગ કરતી અરજી દાખલ કરી ત્યારે હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, હાઈકોર્ટે નોંધ્યું હતું કે શરદ પવાર અને તેમની પુત્રી દ્વારા કેટલાક પ્રભાવનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાય છે.
સીબીઆઈ તપાસની માંગ કરતી 2023માં દાખલ કરાયેલી નવી જનહિત અરજીમાં, જાધવે કહ્યું કે તેમણે ડિસેમ્બર 2018માં પુણે પોલીસ કમિશનરને પવાર અને અન્ય લોકો સામે તપાસની માગણી કરતી ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.
આ પણ વાંચો…મુંબ્રામાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર:શરદ પવાર જૂથના કાર્યકર વિરુદ્ધ ગુનો દાખલ…



