શહેરમાં આઠથી વધુ સ્થળે બૉમ્બ મુકાયાની ધમકી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

શહેરમાં આઠથી વધુ સ્થળે બૉમ્બ મુકાયાની ધમકી

તપાસ માટે પોલીસની વિશેષ ટીમ તૈયાર

મુંબઈ: મુંબઈમાં આઠથી વધુ સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકી આપતા ઇમેઇલ પ્રાપ્ત થયા બાદ પોલીસે આવા ઇમેઇલ મોકલનારને શોધી કાઢવા માટે વિશેષ ટીમ તૈયાર કરી છે.

આ ઇમેઇલ જ્યાંથી આવ્યા તે આઇપી એડ્રેસ પરથી ઇમેઇલ મોકલનારને શોધવા માટે વિશેષ ટીમ પ્રયાસ કરશે. મેઇલ એક ઇમેઇલ આઇડી પરથી મોકલવામાં આવ્યા હતા અને મોકલનારની ઓળખ હજી સ્થાપિત થઇ નથી, એમ કોલાબા પોલીસ સ્ટેશનના અધકારીએ કહ્યું હતું.

સૌપ્રથમ કોલાબામાં છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમના વ્યવસ્થાપનને ઇમેઇલ પ્રાપ્ત થયો હતો, જેમાં મ્યુઝિયમ, વરલીમાં નેહરુ સાયન્સ સેન્ટર અને રાણીબાગ સહિત આઠથી વધુ સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકી આપવામાં આવી હતી. આથી શુક્રવારે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સંસ્થાઓને પણ આવા જ ધમકીભર્યા ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ દક્ષિણ મુંબઈના કોલાબા સ્થિત મ્યુઝિયમમાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ) દ્વારા તપાસ કરવામાં આવી હતી, પણ કોઇ વિસ્ફોટક કે વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી, એમ અધિકારીએ કહ્યું હતું.

આવો ઇમેઇલ મોકલનાર વ્યક્તિ વિરુદ્ધ કોલાબા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડસંહિતાની કલમો ૫૦૫ (૧) (બી) (લોકોમાં ડર ફેલાવવા માટે અફવાઓ ફેલાવવી) અને ૫૦૬ (૨) (ફોજદારી ગુનો) તથા અન્ય સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button