ગેટવે ઑફ ઇન્ડિયા અને બાંદ્રામાં બૉમ્બ પ્લાન્ટ કરાયાની ધમકી: પુણેનો ઇલેક્ટ્રિશિયન પકડાયો
મુંબઇ: પુણેના શિવાજીનગર, પિંપરી-ચિંચવડ અને પુણે રેલવે સ્ટેશન સહિત મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા અને બાંદ્રામાં બોમ્બ પ્લાન્ટ કરાયાની ધમકી આપતો કૉલ પોલીસ ક્ધટ્રોલ રૂમને કરવા બદલ પુણેના ઇલેક્ટ્રિશિયનની ધરપકડ કરવામાં આવી હતી. ઇલેક્ટ્રિશિયનની ઓળખ પ્રવીણ પંડિત યેશી (૩૬) તરીકે થઇ હોઇ તેણે તેના કુટુંબમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે હતાશામાં કૉલ કર્યો હોવાનું તપાસમાં જણાયું હતું.
પુણે પોલીસના ક્ધટ્રોલ રૂમને શુક્રવારે બપોરે અજાણ્યા શખસે કૉલ કર્યો હતો અને શિવાજીનગર, પિંપરી-ચિંચવડ સહિત બાંદ્રા અને ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે બોમ્બ પ્લાન્ટ કરાયા હોવાની ધમકી આપી હતી.
ક્ધટ્રોલ રૂમને આવેલા કૉલ અંગે પુણે પોલીસે મુંબઈ પોલીસને જાણ કરી હતી. આથી સ્થાનિક પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉપરોક્ત સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.
બીજી તરફ પુણે પોલીસે પણ બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્કવોડ (બીડીડીએસ) સાથે તપાસ કરી હતી. જોકે કોઇ પણ સ્થળે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.
દરમિયાન પુણે પોલીસ ક્ધટ્રોલ રૂમમાં કાર્યરત કોન્સ્ટેબલે આ પ્રકરણે બંડગાર્ડન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરાયો હતો. પોલીસ ટીમે તપાસ કરીને ક્ધટ્રોલ રૂમને કૉલ કરનારા પ્રવીણ યેશીને ઝડપી પાડ્યો હતો. પ્રવીણનો પરિવાર થોડા દિવસ અગાઉ તેને છોડીને જતો રહ્યો હતો. આથી તે ઘરમાં એકલો પડી ગયો હતો અને હતાશ થઇ ગયો હતો.