તાજ હોટેલમાં બૉમ્બ બ્લાસ્ટની ‘ચેતવણી’ આપનારો ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈની પ્રખ્યાત તાજ હોટેલમાં બૉમ્બ બ્લાસ્ટની કથિત ચેતવણી આપતો ફોન કરનારા યુવાનને પોલીસે પકડી પાડ્યો હતો.
કોલાબા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ધરમપાલ સિંહ (૩૬) તરીકે થઈ હતી. નવી દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા સિંહે શનિવારે દારૂના નશામાં કૉલ કર્યો હોવાનું કહેવાય છે.
પોલીસ ફરિયાદ અનુસાર શનિવારે રાતે ૮.૩૦ વાગ્યે ફાયર બ્રિગેડ ક્ધટ્રોલમાં આરોપીએ ફોન કર્યો હતો. તાજ હોટેલમાં બૉમ્બધડાકો થવાનો હોવાથી તમે જે કરી શકતા હો તે કરો, એવી ચીમકી આરોપીએ આપી હતી.
આ બાબતની જાણ ફાયર બ્રિગેડે મુંબઈ પોલીસને કરી હતી. પોલીસે લગભગ કલાક સુધી તાજ હોટેલમાં તપાસ કરવા છતાં કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નહોતી. જે નંબર પરથી ફોન આવ્યો હતો તેની વિગતો તપાસતાં પોલીસ અચંબામાં મુકાઈ ગઈ હતી. એ નંબર પરથી અગાઉ ૨૮ વખત મુંબઈ પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પ્રકરણે કોલાબા પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૬(૨) હેઠળ ગુનો નોંધી મોબાઈલ ટ્રેસ કર્યો હતો. દિલ્હીથી મુંબઈ આવ્યા પછી મજૂરી કરનારા સિંહને મોડી રાતે પોલીસે તાબામાં લીધો હતો.