ગણેશ વિસર્જન દરમિયાન મુંબઈમાં બોમ્બ વિસ્ફોટની ધમકી! મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર…

મુંબઈ: આવતીકાલે શનિવારે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ છે, ગણપતિની મૂર્તિના વિસર્જન માટે હજારો લોકો આવતીકાલે મુંબઈના રસ્તાઓ પર ઉતરી પડશે. એ પહેલા આજે મુંબઈમાં બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. જેના કારણે મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર છે.
અહેવાલો અનુસાર આજે શુક્રવારે મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમના ઓફિશિયલ વોટ્સએપ નંબર પર એક મેસેજ મોકલવામાં આવ્યો હતો. ધમકી આપનારે અનંત ચતુર્દશીના દિવસે શહેરમાં સંખ્યાબંધ હુમલા કરવાની ધમકી આપી છે.
મેસેજમાં દાવો કરવામાં આવ્યો કે શહેરમાં વાહનોમાં 34 માનવ બોમ્બ ફરી રહ્યા છે. મેસેજમાં કહેવામાં આવ્યું કે RDX ના ઉપયોગથી મોટા વિસ્ફોટ કરવામાં આવશે. અહેવાલ મુજબ લશ્કર-એ-જેહાદી નામના સંગઠન દ્વારા આ ધમકી આપવામાં આવી છે.
આખું મુંબઈ હચમચી જશે?
મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ મુંબઈ ટ્રાફિક પોલીસના ઓફિશિયલ વોટ્સએપ નંબર પર ધમકીઓ મળી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેરમાં 34 વાહનોમાં 34 માનવ બોમ્બ ફરી રહ્યા છે અને જેમાં વિસ્ફોટ થતાં આખું મુંબઈ હચમચી જશે.
મેસેજમાં દાવો કરવામાં આવ્યો કે 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘુસ્યા છે, વિસ્ફોટમાં 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવશે.
મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર:
મુંબઈ ટ્રાફિક પોલીસને અગાઉ પણ બોમ્બ વિસ્ફોટની ધમકીઓ મળી છે, જે પોકળ સાબિત થઇ હતી. મુંબઈ પોલીસ દરેક ધમકીને ગંભીરતાથી લઇ રહી છે અને સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. આ મેસેજ ક્યાંથી મોકલવામાં આવ્યો એની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…વિસર્જન પહેલા ખાડા પૂરી દેવામાં આવશે: સુધરાઈની ખાતરી રસ્તા પર હજી પણ ૬૦૦થી વધુ ખાડા…