બોલો રોજ મુંબઈ અને પુણેમાં વેચાય છે લાખોના હિસાબે શ્રીફળ, આ છે કારણ…
પુણેઃ ગણેશોત્સવના સમયગાળા દરમિયાન શ્રીફળ વેચનારા વેપારીઓને બાપ્પા ફળ્યા છે. પૂજા, તોરણ માટે શ્રીફળની માંગણી મોટા પ્રમાણમાં વધી ગઈ છે. પુણે-મુંબઈની જ વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન દરરોજના 70-80 લાખથી વધુ શ્રીફળનું વેચાણ થઈ રહ્યું છે.
તહેવારોના દિવસોમાં મહારાષ્ટ્રના પુણે-મુંબઈ આ બંને શહેરોમાં મોટા પ્રમાણમાં શ્રીફળનું વેચાણ થઈ રહ્યું છે. દરરોજ 70-80 લાખ શ્રીફળ વેચાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર શ્રીફળના વેચાણમાં 20થી 25 ટકાનો વધારો જોવા મળ્યો છે જ્યારે તેની કિંમત 20થી 40 રૂપિયાની વચ્ચે છે.
ઉત્સવ શરૂ થવાના ત્રણ-ચાર દિવસ પહેલાંથી જ પુણેના માર્કેટ યાર્ડ તેમ જ નવી મુંબઈમાં આવેલી એપીએમસી માર્કેટમાં તમિળનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાંથી નાળિયેરની આવક શરૂ થઈ ગઈ હતી, એવી માહિતી માર્કેટ યાર્ડના વેપારી દ્વારા આપવામાં આવી હતી.
માર્કેટ યાર્ડના ભૂસાર બજારમાં દરરોજ ચારથી પાંચ હજાર ગૂણી નાળિયેરની આવક થાય છે અને એક ગૂણીમાં 100 નાળિયેર હોય છે. દરરોજ સાડાત્રણથી પાંચ લાખ નાળિયે બજારમાં વેચવા માટે મોકલવામાં આવે છે.
તોરણ બનાવવા માટે નવા નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે અને તમિળનાડુમાંથી નવા નાળિયેરની આવક થઈ રહી છે. કર્ણાટકમાંથી મદ્રાસ અને સાપસોલ જાતિના નાળિયેર આવી રહ્યા છે, જ્યારે આંધ્રપ્રદેશમાંથી પાલકોલ જાતિના નાળિયેર આવી રહ્યા છે. ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી સુધી હવે નાળિયેરની સારી એવી સંખ્યામાં માગ જોવા મળે છે, એવું પણ વેપારીએ વધુમાં જણાવ્યું હતું.