કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝલ મુશ્કેલીમાં, ડાન્સ ગ્રુપ સાથે 11.96 કરોડની છેતરપિંડીનો લાગ્યો આરોપ
થાણેઃ બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને નિર્દેશક રેમો ડિસોઝા, તેમની પત્ની લિઝેલ ડિસોઝા અને અન્ય પાંચ લોકો સામે ડાન્સ ગ્રુપ સાથે છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. થાણે પોલીસે જણાવ્યું હતું કે આ ફરિયાદ શનિવારે નોંધાઈ હતી. રેમો અને તેમની પત્ની સહિત અન્ય તમામ લોકો પર 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 26 વર્ષની એક ડાન્સરે રેમો ડિસોઝા, તેમની પત્ની લીઝલ અને અન્ય પાંચ લોકો પર આ આરોપ લગાવ્યો છે. પીડિત ડાન્સરે 16 ઓક્ટોબરે મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રેમો ડિસોઝા અને અન્ય 6 લોકો સામે કલમ 465 (બનાવટી), 420 (છેતરપિંડી) અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો હેઠળ આ કેસ નોંધ્યો છે.
ડાન્સ ગ્રૂપે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની સાથે 2018 થી 2024 સુધી કથિત રીતે છેતરપિંડી કરવામાં આવી હતી. જૂથે જણાવ્યું કે તેઓએ એક ટીવી રિયાલિટી શોમાં ભાગ લીધો હતો અને જીત પણ મેળવી હતી. ફરિયાદીનું કહેવું છે કે રેમો અને અન્ય આરોપીઓએ એવું બહાનું કર્યું કે જૂથ તેમનું છે અને તેમના દ્વારા જીતવામાં આવેલી 11.96 કરોડ રૂપિયાની ઈનામી રકમ હડપ કરી લીધી. આ કેસમાં રેમો ડિસોઝા અને લિઝલ ડિસોઝા ઉપરાંત ઓમપ્રકાશ શંકર ચૌહાણ, રોહિત જાધવ, ફ્રેમ પ્રોડક્શન કંપની, વિનોદ રાઉત, એક પોલીસ કર્મચારી અને રમેશ ગુપ્તા નામના વ્યક્તિનું નામ આરોપી તરીકે છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
રેમો ડિસોઝા કોરિયોગ્રાફર અને ડિરેક્ટર તરીકે કામ કરે છે. આ ઉપરાંત તેઓ ઘણા રિયાલિટી શોમાં જજ પણ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2009માં રિયાલિટી શો જજ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’, ‘ઝલક દિખલા જા’, ‘ડાન્સ પ્લસ’, ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’, ‘ડીઆઈડી લિટલ માસ્ટર’ અને ‘ડીઆઈડી સુપર મોમ્સ’નો સમાવેશ થાય છે.
ડાયરેક્ટર તરીકેના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, રેમો ડિસોઝાએ સલમાન ખાનની ફિલ્મ ‘રેસ 3’ સાથે ટાઈગર શ્રોફની ‘ફ્લાઈંગ જાટ’ અને એબીસીડી ફ્રેન્ચાઈઝી બનાવી છે. ટૂંક સમયમાં તેમની ફિલ્મ ‘હેપ્પી’ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. આમાં અભિષેક બચ્ચન સિંગલ ફાધર તરીકે જોવા મળશે.
એબીસીડી 2 અને સ્ટ્રીટ ડાન્સર 3ડી જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા રેમો ડિસોઝા સાથે તેમના પત્ની પણ કાયદાકીય મુશ્કેલીમાં મુકાયા છે. રેમો પર છેતરપિંડીનો આ બીજો કેસ છે. આ પહેલા પણ તેઓ આવી જ મુશ્કેલીઓમાં ફસાઈ ગયા હતા, જે કેસની સુનાવણી હજુ ચાલુ છે.