જોગેશ્ર્વરી-ગોરેગામમાં ત્રણ બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ: 36ની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જોગેશ્ર્વરી અને ગોરેગામ વિસ્તારમાં ચાલી રહેલા ત્રણ બોગસ કૉલ સેન્ટરનો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરીને 36 જણની ધરપકડ કરી હતી. આરોપીઓ પ્રતિબંધિત દવા વેચવાને બહાને વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા, જ્યારે લોન અપાવવાને બહાને ગ્રાહકો પાસેથી પૈસા પડાવતા હતા, એમ અધિકારીએ કહ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-10 અને 12ના અધિકારીઓને માહિતી મળી હતી કે કેટલાક શખસો ગેરકાયદે કૉલ સેન્ટર ચલાવીને ભારતીય-વિદેશી નાગરિકોને છેતરી રહ્યા છે. આથી કૉલ સેન્ટર પર કાર્યવાહી કરવા માટે પોલીસની ટીમ્સ તૈયાર કરવામાં આવી હતી અને જોગેશ્ર્વરી પશ્ર્ચિમમાં બેહરામબાગ ખાતે ઇમારતના બે ફ્લેટમાં, જ્યારે ગોરેગામ પૂર્વમાં આરે કોલોની ખાતે એક સ્થળે ચાલતા કૉલ સેન્ટરમાં રેઇડ પાડવામાં આવી હતી.
આ પણ વાંચો : મુંબઈને મળતાં પાણીના ૩૪ ટકા વેડફાટને રોકવા બીએમસીએ કમર કસી
યુનિટ-10ની ટીમે બે કૉલ સેન્ટરમાંથી 12 કમ્પ્યુટર, લેપટોપ, હાર્ડ ડિસ્ક, બે મોબાઇલ તથા અન્ય મતા જપ્ત કરીને 10 સેલ્સ ઓપરેટર, બે માલિક સહિત 12ની ધરપકડ કરી હતી, જ્યારે યુનિટ-12ની ટીમે આરે કોલોની ખાતેના કોલ સેન્ટરમાંથી 33 મોબાઇલ, ચાર મોનિટર, સીપીયુ, રાઉટર અને લેપટોપ જપ્ત કરીને 24 જણની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર જોગેશ્ર્વરીના કૉલ સેન્ટર્સમાં આરોપીઓ વીઓઆઇપી કૉલ દ્વારા વિદેશી નાગરિકોનો સંપર્ક સાધતા હતા અને વાયેગ્રા, ટ્રામાડોલ વિગેરે પ્રતિબંધિ દવાઓ વેચવાને બહાને તેમની પાસેથી ઓનલાઇન પૈસા પડાવતા હતા. તો ગોરેગામના કોલ સેન્ટરમાં આરોપીઓ ગ્રાહકોનો સંપર્ક સાધીને તેમને લોન અપાવવાનું જુઠ્ઠાણું ચલાવીને પ્રોસેસિંગ ફીને નામે છેતરપિંડી આચરતા હતા.