ઇન્દોરમાં ચાલતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ: શેર ટ્રેડિંગમાં રોકાણ પર સારા વળતરની લાલચે લોકોને છેતરનારી ટોળકી પકડાઇ

મુંબઈ: શેર ટ્રેડિંગમાં રોકાણ પર સારા વળતરની લાલચે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનારી ટોળકીના આઠ સભ્યોને પનવેલ સાયબર પોલીસે ઝડપી પાડ્યા હતા. બેંગલોર અને ઇન્દોરથી પકડાયેલા આરોપીઓએ ગુનો આચરવા મધ્ય પ્રદેશના ઇન્દોરમાં બોગસ કોલ સેન્ટર શરૂ કર્યું હતું, જેનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આરોપીઓએ પચીસ બોગસ વેબસાઇટ બનાવી હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: શેર ટ્રેડિંગ કૌભાંડ: 33 લાખની છેતરપિંડી આચરવા બદલ ખાનગી બેન્કના અધિકારી, ભૂતપૂર્વ કર્મચારીની ધરપકડ
પ્રાપ્ત માહિતી અનુસાર કામોઠે વિસ્તારમાં રહેતા ફરિયાદીનો અજાણ્યા શખસોએ 18 માર્ચથી 17 એપ્રિલ દરમિયાન સંપર્ક સાધ્યો હતો અને શેર ટ્રેડિંગમાં રોકાણ પર સારા વળતરની લાલચે રૂ. 21 લાખની ઠગાઇ આચરી હતી, જેને પગલે કામોઠે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન કેસની તપાસ પનવેલ, ઇએમસી સાયબર સેલને સોંપવામાં આવી હતી. આરોપીઓના કહેવાથી ફરિયાદીએ જે જે બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, તેની વિગતો મગાવવામાં આવી હતી.
આ પણ વાંચો: નવી મુંબઈના રહેવાસીએ શેર ટ્રેડિંગ ફ્રોડમાં રૂ. 1.36 કરોડ ગુમાવ્યા
તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા આરોપીઓ બેંગલોર અને ઇન્દોરમાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. આથી પોલીસ વિવિધ ટીમને ત્યાં મોકલવામાં આવી હતી અને આઠ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ ગુનો આચરવા ઇન્દોરમાં તુકોગંજ ખાતે બોગસ કોલ સેન્ટર શરૂ કર્યું હોવાનું જાણવા મળતાં પોલીસે ઉપરોક્ત કોલ સેન્ટરમાં છાપો માર્યો હતો, જ્યાં આઠ યુવતી સહિત 14 લોકો કામ કરતાં હતાં. ગુનો આચરવા માટે શુભમ કુમાર અને આશિષકુમાર પ્રસાદ નામના આરોપીએ બોગસ વેબસાઇટ બનાવી હતી. આરોપીઓ પાસેથી 60 મોબાઇલ, ચાર લેપટોપ તથા અન્ય મતા જપ્ત કરાઇ હતી. આ ટોળકીએ બેંગલોર, તેલંગણા, રાજસ્થાન તેમ જ મહારાષ્ટ્રમાં ગુના આચર્યા છે.