બીડમાં પોલીસ અધિકારીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો
મુંબઈ: પુણેની આર્થિક ગુના શાખામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીનો મૃતદેહ બીડ જિલ્લામાં રેલવેના પાટા પરથી મળી આવ્યો હોઈ પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો કેસ હોવાનું પોલીસનું કહેવું છે.
ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ ઈન્સ્પેક્ટર સુભાષ ભીમરાવ દુધાળ (42) તરીકે થઈ હતી. દુધાળ પુણે સીઆઈડીની આર્થિક ગુના શાખામાં ફરજ બજાવતો હતો.
પરળી વૈજનાથ રેલવે સ્ટેશન નજીક શુક્રવારની રાતે ધસમસતી ટ્રેન સાથે ઝંપલાવીને દુધાળે આપઘાત કર્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. શનિવારની સવારે તેનો મૃતદેહ બે ટુકડામાં મળી આવ્યો હતો.
રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે દુધાળની પૅન્ટના ખીસામાંથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તારીખ અને સમય પણ નોંધવામાં આવ્યા હતા. પારિવારિક કલહને કારણે પોતે જીવન ટૂંકાવી રહ્યો હોવાનું અધિકારીએ ચિઠ્ઠીમાં લખ્યું હતું.
દુધાળ પુણેથી લગભગ 300 કિલોમીટરના અંતરે આવેલા પરળીમાં શા માટે ગયો તેની કોઈ માહિતી પોલીસ તપાસમાં મળી નહોતી. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું જીઆરપીનું કહેવું છે. (પીટીઆઈ)