વિરારમાં ગુમ વૃદ્ધાનો મૃતદેહ બે દિવસ પછી તૂટી પડેલા ઝાડ નીચેથી મળ્યો

મુંબઈ: વિરારમાં બે દિવસથી ગુમ વૃદ્ધાનો મૃતદેહ શુક્રવારે સવારે એક ઝાડ નીચેથી મળી આવ્યો હતો. પવન સાથે વરસાદને કારણે બુધવારે તૂટી પડેલા આમલીના ઝાડ નીચે વૃદ્ધ દબાઈ ગઈ હોવાથી બે દિવસ સુધી તેની કોઈને ભાળ મળી નહોતી.
અર્નાળા સાગરી પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ મંજુલા ઝા (70) તરીકે થઈ હતી. થોડા દિવસ અગાઉ મંજુલા વિરાર પશ્ચિમમાં પદ્માવતી નગર સ્થિત ઋષભ ટાવરમાં પુત્રના ઘરે રહેવા આવી હતી.
શાળા શરૂ થયા પછી મંજુલા રોજ સવારે પૌત્રને શાળાએ મૂકવા જતી હતી અને ત્યાંથી મંદિરે દર્શન માટે જતી હતી. ભગવાનને ચઢાવવા માટેનાં ફૂલો તે આસપાસના પરિસરમાં આવેલાં ઝાડ પરથી ફૂલો ચૂંટતી હતી. બુધવારે પૌત્રને શાળાએ મૂકવા ગયેલી મંજુલા એકાએક ગુમ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: વસઈ-વિરારમાં 18 ભૂસ્ખલન-સંભવિત વિસ્તારો, ઘણી ચેતવણીઓ અને સૂચનાઓ છતાં, રહેવાસીઓનો જગ્યા ખાલી કરવાનો ઇનકાર
પરિવારજનોએ આસપાસના પરિસરમાં શોધ ચલાવ્યા છતાં કોઈ ભાળ ન મળતાં અર્નાળા સાગરી પોલીસમાં મંજુલા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધા વિરારના બોલિંજ વિસ્તારમાં ઝાડ પરથી ફૂલો ચૂંટવા જતી હોવાની માહિતી તપાસમાં પોલીસને મળી હતી. બોલિંજ ખાતે પહોંચેલી પોલીસની ટીમને આમલીનું એક મોટું વૃક્ષ તૂટી પડેલું દેખાયું હતું.
ઝાડ નજીક ગયેલી પોલીસની ટીમને દુર્ગંધ આવતી હોવાનું જણાયું હતું. ઝાડને ખસેડવામાં આવતાં નીચેથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસનું માનવું છે કે બુધવારે સવારે પવન સાથે વરસાદ આવ્યો હતો, જેને કારણે ઝાડ તૂટી પડ્યું હતું. ઝાડની ડાળખીઓ મોટી હોવાથી નીચે દબાઈ ગયેલી વૃદ્ધા નજરે પડતી નહોતી.