પાલઘરમાં બોટ ઊંધી વળીઃ બે કામદાર ગુમ, આટલા સુરક્ષિત

પાલઘર: પાલઘરમાં વૈતરણા નદી પરના મુંબઈ-બરોડા એક્સપ્રેસવે બ્રિજના નિર્માણ સ્થળ પરથી 22 કામદારને લઈને જતી એક બોટ સોમવારે વહેલી સવારે નદીમાં પલટી ગઈ હતી. 20 કામદાર તરીને કિનારે પહોંચવામાં સફળ થયા છે, નદીના પટમાં બે કામદારો ગુમ થયા છે. કોન્ટ્રાક્ટર કંપની ગુમ થયેલા કામદારોને શોધી રહી છે.
વૈતરણા નદી પર મુંબઈ-બરોડા એક્સપ્રેસ વે બ્રિજનું કામ ચાલુ છે. આ પુલ જી.આર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા બનાવવામાં આવી રહી છે હાલમાં ટાપુની નજીક તેનું કામ ચાલી રહ્યું છે. આ પુલ સફાલે અને વૈતરણાની મુખ્ય ભૂમિ વચ્ચે આવેલો છે.
બ્રિજ સાઇટ પર કામ કરતા લગભગ ૨૨ નાઇટ શિફ્ટ કામદારોને વૈતરણા બાજુથી નવઘર ઘાટીમ ખાતે મજૂર વસાહત તરફ લઇ જતી બોટ મંગળવારે સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ ડૂબવા લાગી હતી અને થોડી જ વારમાં પલટી મારી ગઇ હતી. ગુમ થયેલા કામદારના નામ આદર્શ શુક્લા અને નિર્મલ મિશ્રા છે. અકસ્માતનો વિસ્તાર કેલ્વે પોલીસ સ્ટેશનની હદમાં આવે છે અને પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસે બચાવેલા મુસાફરોના નિવેદન લીધા અને કેટલાકને પ્રાથમિક સારવાર આપવામાં આવી. સ્થાનિકોનું કહેવું છે કે બચાવી લેવાયેલા મુસાફરને સેફ્ટી જેકેટ પહેરેલું જોવા મળ્યું નથી. સ્થાનિક લોકોનું પ્રાથમિક અનુમાન છે કે જ્યાં અકસ્માત થયો ત્યાં નદીના પટમાં બોટ ખડક સાથે અથડાઈ હશે અને ક્ષમતા કરતા વધુ મુસાફરો બેઠેલા હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન પણ છે.