270 સ્કેવરફૂટના રૂ. એક કરોડઃ આ છે બીએમસીની ગરીબો માટેના હાઉસિંગ સ્કીમ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

270 સ્કેવરફૂટના રૂ. એક કરોડઃ આ છે બીએમસીની ગરીબો માટેના હાઉસિંગ સ્કીમ

મુંબઈઃ મુંબઈ સહિત દેશભરમાં રિયલ એસ્ટેટ સેક્ટર આસમાને જ હોય છે. ગરીબો તો શું મધ્યમવર્ગીયો માટે પણ ઘરનું ઘર અઘરું છે. લોકોને સસ્તા ભાવે ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર સહિત દરેક રાજ્યની સરકાર પણ અમુક સ્કીમ્સ બહાર પાડે છે.

મુંબઈમાં મ્હાડા સસતા ઘર માટે જાણીતી સરકારી એજન્સી હતી, પરંતુ છેલ્લા અમુક વર્ષોથી મ્હાડાના સૌથી સસ્તાં ઘરના ભાવ રૂ. 50 લાખ આસપાસ હોય છે. ત્યારે હવે મુબંઈ મહાનગરપાલિકાએ પણ અલ્પ આવકજૂથવાળા લોકો માટે હાઉસિંગ સ્કીમ જાહેર કરી છે. આ યોજનાની જે માહિતી બહાર આવી છે તે અનુસાર ગરીબોના આ ઘરનો ભાવ રૂ. એક કરોડ સુધી પહોંચી ગયો છે.

આપણ વાંચો: ઈકો-સ્પેશિયલ: જીએસટી સુધારા – સેબીનાં પગલાં રિયલ એસ્ટેટ સેક્ટરને કેટલાં ફળશે?

સિડકો અને મ્હાડાની જેમ, મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ પહેલીવાર ૪૨૬ ફ્લેટ માટે લોટરી જાહેર કરી છે. ખૂબ જ ઓછી આવક ધરાવતા જૂથના વ્યક્તિઓ 16 ઓક્ટોબરથી 14 નવેમ્બર, 2025 દરમિયાન આ ઘરો માટે અરજીઓ સબમિટ કરી શકે છે.

આ ઘરો માટે ડ્રો 20 નવેમ્બરના રોજ યોજાશે.જોકે હવ પાલિકાને ખબર પડી કે ઘર બનાવવા સહેલા નથી. સસ્તા ઘર જો રૂ. એક કરોડમાં વેચવાના હોય તો તેને ક્યા ગરીબવર્ગનો સંપર્ક સાધવો તે સવાલ છે.

આપણ વાંચો: રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીની વાતો, પણ ગુજરાતમાં ઘરની કિંમતો આસમાને

મહાનગરપાલિકાની આ લોટરીમાં, ભાયખલામાં માત્ર 270 ચોરસ ફૂટના ઘર માટે 1 કરોડ 7 લાખ રૂપિયાની વેચાણ કિંમત નક્કી કરવામાં આવી છે. બીજી તરફ, કાંજુરમાર્ગમાં 450 ચોરસ ફૂટના ઘરની કિંમત પણ 98 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે છે. વેચાણ કિંમત નક્કી કરતી વખતે, મહાનગરપાલિકાના અધિકારીઓએ કંઈ વિચાર કર્યો છે કે નહીં, તેવો સવાલ આ કિંમતો બહાર આવ્યા બાદ થઈ રહ્યો છે.

ઘરોની કિંમતો જે તે વિસ્તારના રેડી રેકનર રેટમાં 10 ટકા વહીવટી ખર્ચ ઉમેરીને નક્કી કરવામાં આવે છે. ભાયખલામાં રેડી રેકનર રેટ ચોરસ ફૂટદીઠ રૂ. 30,000 હોવાથી, અહીંના ઘરોની કિંમત રૂ. 1 કરોડથી વધુ છે.

નવાઈની વાત એ છે કે આ ઘર માટે અરજી કરવાની પાત્રતા નક્કી કરવામાં આવી છે, જેમાં જે કુટુંબની વાર્ષિક રૂ. છ લાખ કે તેનાથી ઓછી હોય તેઓ જ અરજી કરી શકે છે. હવે સવાલ એ થાય છે કે આવા પરિવારોને એક કરોડ કે 98 લાખના ઘર કઈ રીતે પોષાવાના અને તેમને લોન કોણ આપશે અને તેઓ લોન પણ કેટલી લેશે જેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અંગે પાલિકાના અધિકારી સાથે સીધો સંપર્ક થઈ શકયો નથી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button