BMCની ચૂંટણી લડવા ઈચ્છુકો રાહ જોઈ રહ્યા છે 11 નવેમ્બરનીઃ જાણો શું છે કારણ

મુંબઈઃ બિહારની ચૂંટણી પૂરી થાય પછી દેશની આર્થિક રાજધાની અને સૌથી ધનાઢ્ય મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની ચૂંટણીનો ધમધમાટ શરૂ થશે. ભાજપ અને શિવસેના (યુબીટી) આમને સામને હોવાથી અને રાજ્યમાં નવા રાજકીય સમીકરણો રચાયા બાદની આ પહેલી ચૂંટણી હોવાથી દેશભરની નજર પાલિકાની ચૂંટણી પર રહેશે. જોકે હાલમાં તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડવા ઈચ્છતા તમામ 11મી નવેમ્બરની રાહ જોઈ રહ્યા છે.
આ દિવસે થશે ડ્રો
મુંબઈના 227 વોર્ડમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ક્યા વૉર્ડ કઈ કેટેગરી માટે આરક્ષિત રાખવામાં આવ્યા છે તેનો ડ્રો 11મી નવેમ્બરે થવાનો છે, તેવી જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. આથી એક તો 50 ટકા બેઠક મહિલાઓની અને અન્ય આરક્ષણની બેઠકો ડ્રો બાદ નક્કી થશે. આ સાથે હાલમાં દરેક પક્ષ ગઠબંધનમાં લડવાની વાત કરે છે, આથી ક્યા પક્ષના હાથમાં કેટલી બેઠક આવશે તે પણ જોવાનું રહ્યું. 11મીએ ડ્રો થશે તેના પર ઘણી વાતનો આધાર રહે છે. આથી ઈચ્છૂકો આ ડ્રોની રાહ જોઈને બેઠા છે. જોકે ચિત્ર એકદમ સ્પષ્ટ તો 28મીએ થશે. એ પહેલા ચૂંટણી પંચની એક આખી પ્રક્રિયા થશે.
કઈ રીતે થાય છે ડ્રો
અનામત બેઠકોની સંખ્યા નક્કી કરવા અને રાજ્ય ચૂંટણી પંચની મંજૂરી મેળવવા માટે 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન દરખાસ્ત રજૂ કરવામાં આવશે. અનામત ડ્રોની જાહેર સૂચના 6 નવેમ્બરના રોજ અખબારમાં પ્રકાશિત કરવામાં આવશે. ત્યારબાદ, અનામત ડ્રો 11 નવેમ્બર, 2025 ના રોજ યોજાશે. ડ્રોનું પરિણામ 11 નવેમ્બરના રોજ રાજ્ય ચૂંટણી પંચની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
ત્યારબાદ, ડ્રાફ્ટ આરક્ષણ, વાંધા અને સૂચનો 14 નવેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે. ડ્રાફ્ટ આરક્ષણ, વાંધા અને સૂચનો સબમિટ કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર રહેશે. અંતિમ અનામત ૨૮ નવેમ્બરના રોજ સરકારી ગેઝેટમાં નિર્ધારિત ફોર્મેટમાં જાહેર કરવામાં આવશે.
જાણો અનામતના આંકડાઓ
મુંબઈ મહાનગરપાલિકામાં કુલ ૨૨૭ બેઠકો પર ચૂટંણી યોજાનાર છે. તેમાંથી ૧૫ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રહેશે. ઉપરાંત, ૨ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને ૬૧ બેઠકો અન્ય પછાત વર્ગો માટે અનામત રહેશે. બાકીની બેઠકો ખુલ્લી શ્રેણી માટે રહેશે. ઉપરાંત, કુલ ૨૨૭ બેઠકોમાંથી ૫૦ ટકા એટલે કે ૧૧૪ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. હવે, કઈ બેઠકો કઈ શ્રેણી માટે હશે તે ૧૧ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો…BMCની ચૂંટણી માટે નિયમમાં મોટા ફેરફાર: સરકારે જાહેર કર્યા નવા અનામત અને રોટેશનના નિયમ



