મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી: વોર્ડ નંબર 194માં વર્ચસ્વ તો ઠાકરે પરિવારનું જ…

મુંબઈ: શિવસેનાના થયેલા ભાગલા પછીની આ સૌથી મહત્વની લડાઈ માનવામાં આવતી હતી. મુંબઈના હાર્દ સમાન ગણાતા દાદર-પરેલ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 194માં ઉદ્ધવ ઠાકરે જૂથે પોતાની તાકાત બતાવી દીધી છે. ઠાકરે જૂથના ઉમેદવાર નિશિકાંત શિંદેએ શિંદે જૂથના સમાધાન સરવણકરને કાંટે કી ટકકર આપીને પરાજિત કર્યા છે.
વોર્ડ નંબર 194 એ દાદર-પરેલના બીડીડી (BDD) ચાલીનો વિસ્તાર છે, જ્યાં મરાઠી મતદારોનું વર્ચસ્વ સૌથી વધુ છે. આ વિસ્તાર આદિત્ય ઠાકરેના મતવિસ્તારમાં આવતો હોવાથી શિવસેના માટે આ વિસ્તાર તેમનો ગઢ ગણાય છે.
2017માં યોજાયેલી ચૂંટણીમાં આ બેઠક પરથી સમાધાન સરવણકરે જીત મેળવી હતી. પરંતુ આ વખતે તેઓ આ જ બેઠક પરથી પરાજિત થયા છે. શિવસેનામાં ફૂટ પડ્યા બાદ સમાધાન સરવણકર એકનાથ શિંદે જૂથમાં જોડાયા હતા, જ્યારે નિશિકાંત શિંદે (ધારાસભ્ય સુનીલ શિંદેના ભાઈ) ઠાકરે જૂથ તરફથી મેદાનમાં ઉતર્યા હતા.
આ બેઠક પરની જીત ઠાકરે જૂથ માટે અનિવાર્ય હતી કારણ કે તે આ વિસ્તાર ઠાકરે પરિવારનો ગઢ ગણાય છે. બીજી બાજુ સમાધાન સરવણકર એ ભૂતપૂર્વ ધારાસભ્ય સદા સરવણકરના પુત્ર હોવાથી શિંદે જૂથ માટે આ પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના સંતોષ ધુરી ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી. બસ આ જ વાતનો ફાયદો ઉઠાવીને ઠાકરે જૂથ દ્વારા સ્ટ્રેટેજી ગોઠવીને નિશિકાંત શિંદેને ઉમેદવારી આપી હતી.
ઠાકરે પરિવારના ગઢમાં પોતાની પકડ જાળવી રાખવી. 592 મતોના નજીવા પણ નિર્ણાયક તફાવતથી નિશિકાંત શિંદે વિજેતા બન્યા છે, જે ઠાકરે જૂથ માટે મુંબઈમાં બૂસ્ટર ડોઝ સમાન છે.
આ પણ વાંચો…મુંબઈના કુખ્યાત ડોનની દીકરી હારી ગઈ, ભાજપના ઉમેદવારે આપી કારમી હાર



