કોસ્ટલ રોડ પર બે ફાયર સ્ટેશન અને 70 સ્થળોએ સ્પીડ કેમેરા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ માટે સંપાદન કરેલી જમીન પર બે ફાયરબ્રિગેડ સ્ટેશન બનાવવાની મુંબઈ મહાનગરપાલિકાની યોજના છે. કોસ્ટલ રોડ પર બે ફાયરબ્રિગેડના સ્ટેશન ઊભા થયા તો શહેરની સાથે જ ઉપનગરમાં કટોકટીના સમયમાં ફાયરબ્રિગેડ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકશે એવો દાવો ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો છે. એ સિવાય પાલિકા એક મેઈન્ટેન્સ કૉન્ટ્રેક્ટરની પણ નિમણૂક કરવાની છે, જે કોસ્ટલ રોડ પર ઝડપથી વાહનો ચલાવનારા પર નજર રાખવા માટે પેટ્રોલિંગ કરવાની સાથે જ ટોઈંગ વાન ગોઠવશે.
મરીન ડ્રાઈવ પર પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દ્રા-વરલી સી લિંક સુધીનો ૧૦.૫૮ કિલોમીટરના કોસ્ટલ રોડને કારણે મોટરચાલકોના સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ૪૦થી ૪૫ મિનિટનું અંતર હવે માત્ર ૧૦ મિનિટમાં પાર કરી શકાય છે. આ પ્રોજેક્ટમાં હાજી અલી, પેડર રોડ (અમરસન્સ ગાર્ડન) અને વરલી સી ફેસ જેવા મુખ્ય સ્થળોએ મલ્ટિ-લેવલ ઈન્ટરચેન્જનો સમાવેશ થાય છે. કોસ્ટલ રોડનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે મુંબઈ ફાયરબ્રિગેડે હવે કોસ્ટલ રોડ માટે સંપાદન કરેલી ૯૦ હેકટરની જમીન પર બે ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ જગ્યાનો ઉપયોગ કોસ્ટલ રોડ પર બગીચા અને પાર્કિંગ પ્લોટ બનાવવા માટે કરવામાં આવવાનો છે.
પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ ફાયરબ્રિગેડ તરફથી પાલિકા પ્રશાસન તરફ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે, જેમાં તેમણે કોસ્ટલ રોડ માટે સંપાદન કરેલી જગ્યા પર બે ફાયરબ્રિગેડ સ્ટેશન ઊભા કરવાની મંજૂરી આપવાની માગણી કરી છે. આ પ્રસ્તાવ જોકે હજી પ્રારંભિક તબક્કામાં છે, કારણકે આ કામ માટે અનેક મંજૂરીઓ મેળવવાની છે. છતાં સંપાદન કરેલી જગ્યા પર ચોક્કસ સ્થળે ફાયરસ્ટેશન બનાવવા જગ્યા શોધવાનું કામ ચાલી રહ્યું છે. કોસ્ટલ રોડ પર ઊપરાઉપરી વાહનોમાં આગ લાગવાના બનાવો જે રીતે વધી રહ્યા છે, તેને જોતા ભવિષ્યમાં ફાયર સ્ટેશન હોવું ફાયદાકારક રહેશે.
આ દરમિયાન થોડા સમય અગાઉ જ સુધરાઈને બ્રીચ કેન્ડી અને નેપિયન સી રોડના રહેવાસીઓ પાસેથી કોસ્ટલ રોડ નજીક રહેતા લોકો પાસેથી ફરિયાદ આવી હતી કે રાતના સમયમાં કાર અને મોટરસાઈકલ દ્વારા રેસિંગ લગાવવામાં આવતી હોય છે અને તેને કારણે નોઈઝ પોલ્યુશન થતું હોય છે. તેથી તેના જવાબમાં પાલિકાએ મેઈન્ટેન્સ કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરવા માટે ટેન્ડર બહાર પાડવાની છે.
Also read: વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડનું કામ ફાસ્ટ ટ્રેક પર
પાલિકાના અધિકારીના કહેવા મુજબ કોસ્ટલ રોડ પર ટૂ-વ્હીલર્સ પર પ્રતિબંધ છે, છતાં રાતના સમયે રેસિંગ તો થાય છે પણ ફૂડ ડિલીવરી કરનારી કંપનીઓની બાઈક પણ ઝડપથી ઓર્ડર પહોંચતો કરવા માટો કોસ્ટલ રોડનો ઉપયોગ કરે છે. તેથી આ કૉન્ટ્રેક્ટર પેટ્રોલિંગ અને ટોઈંગવાન તહેનાત કરવાના કામ માટે જવાબદાર રહેશે. મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. નાના-મોટા થોડા કામ બાકી છે અને હવે આખો કોસ્ટલ રોડ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. આ દરમિયાન કોસ્ટલ રોડ પર ૭૦ સ્પીડ ડિટેક્શન કેમેરા બેસાડવાના પ્રસ્તાવને હજી સુધી પાલિકા પ્રશાસન પાસેથી મંજૂરી મળી નથી. તેથી કેમેરા બેસાડવાનું કામ મે, ૨૦૨૫ સુધીમાં પૂરું થાય એવી શક્યતા છે. નવી સિસ્ટમનો હેતુ ઓવર સ્પીડિંગને નિયંત્રણમાં રાખવાનો તથા ટ્રાફિક પોલીસ નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરી શકે તે રહેશે.