પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરોની મિલકતની ઈ-લિલામીની પ્રક્રિયા શરૂ

રૂ. ૪૫૫ કરોડ ૪૮ લાખનો બાકી રહેલો પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવા બદલ મિલકતની લિલામી થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા મોટા ડિફોલ્ટરોની વિરુદ્ધ મુંબઈ મહાનગરપાલિકાએ આકરા પગલા લઈને તેમની મિલકતને જપ્ત કરીને તેની લિલામીની પ્રકિયા શરૂ કરી છે.
આ ઝુંબેશ હેઠળ પાલિકાએ ગુરુવાર, ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના કુલ આઠ મિલકતની જપ્તીની કાર્યવાહી કરી હતી. સંબંધિત મિલકત ઓપન પ્લોટ, રેસિડેન્શિયલ પ્લોટ, કમર્શિયલ ગાળા, ઔદ્યોગિક ગાળા અને હૉટલ વગેરેનો સમાવેશ થાય છે.
પાલિકા અસેસટમેન્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ પ્રોપર્ટી ટેક્સના આઠ ડિફોલ્ટરો પાસેથી દંડની રકમ સહિત કુલ ૪૫૫ કરોડ ૪૮ લાખ ૯૪ હજાર ૩૭૪ રૂપિયા જેટલી અધધ રકમ વસૂલ કરવાની બાકી છે.
વારંવાર નોટિસ આપીને પણ ટેક્સની બાકી રહેલી રકમ નહીં ભરવાને કારણે સંબંધિત છ મિલકતની ઈ-લિલામી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો બે મિલકતધારકોને ટેક્સ ભરવા માટે ૨૧ દિવસની મુદત આપીને નોટિસ ફટકારી છે.
આ મુદતમાં ટેક્સ નહીં ભર્યો તો તેમની મિલકતની પણ લિલામ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે એવું પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના આર્થિક વર્ષમાં કુલ ૬,૨૦૦ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમાંથી અત્યાર સુધી એટલે કે પહેલી એપ્રિલ, ૨૦૨૫થી ચાર ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીના સમયગાળામાં ૫,૪૨૬. ૮૧ કરોડનો ટેક્સ વસૂલ કર્યો છે. તેમ જ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી ટેક્સ ભરવાની મુદત છે, તેથી ત્યાં સુધી પાલિકાની ટેક્સ વસૂલીની ઝુંબેશ ચાલુ રહેશે.



