આમચી મુંબઈ

અંધેરીમાંની મેનહૉલ દુર્ઘટના પછીનું ડહાપણ…

ચેતવણી અવગણનાર એમએમઆરસીએલ, કૉન્ટ્રેક્ટર જ મહિલાના મોત માટે જવાબદાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં પચ્ચીસ સપ્ટેમ્બરે પડેલા મુશળધાર વરસાદ દરમિયાન અંધેરીમાં ખુલ્લા મેનહૉલમાં પડી જવાથી મહિલાના મૃત્યુ બાદ તપાસ માટે નિમવામાં આવેલી તપાસ સમિતિએ દુર્ઘટના માટે એમએમઆરસીએલ તરફ આંગળી ચીંધી છે. સંબંધિત વિસ્તારમાં સુધરાઈના અધિકારીઓને થોડા સમય અગાઉ કરેલા ઈન્સ્પેકશન દરમિયાન અમુક ત્રુટિઓ હોવાની જાણ કૉન્ટ્રેક્ટર સહિત એમએમઆરસીએલને કરી હતી જેની નોંધ લેવામાં આવી હોત આ દુર્ઘટના ઘટી ન હોત એવો દાવો પણ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

મુંબઈમાં પચ્ચીસ સપ્ટેમ્બરે સાંજના પડેલા મુશળધાર વરસાદ દરમિયાન અંધેરી (પૂર્વ) સીપ્ઝમાં ખુલ્લા મેનહૉલમાં મહિલા પડીને દૂર નાળામાં તણાઈ જતા તેનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનાની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરિય તપાસ સમિતિ બનાવી હતી અને તેમણે ત્રણ દિવસની અંદર પોતાના રિપોર્ટ સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીને સોંપવાનો હતો. તે મુજબ તેમણે કમિશનરને રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં આ દુર્ઘટના માટે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) સહિત કૉન્ટ્રેક્ટરને જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

સીપ્ઝમાં મેટ્રો રેલનું કામ ચાલી રહ્યુ છે. આ જગ્યા એમએમઆરસીએલના કૉન્ટ્રેક્ટર એલ એન્ડ ટીના કબજામાં હોવાથી આ ઠેકાણે રહેલી ત્રુટિઓને પૂરી કરવાની જવાબદારી એલ એન્ડ ટી તેમ જ એમએમઆરસીએલની હોવાનો નિષ્કર્ષ સમિતિએ કમિશનર સમક્ષ રાખ્યો હોવાનુ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

તપાસ સમિતિના અહેવાલ મુજબ આ ઘટનાસ્થળ અને તેની આજુબાજુનો પરિસર ૨૦૧૫ની સાલથી મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડના કૉન્ટ્રેક્ટર એલ એન્ડ ટીના કબજામાં છે. પાલિકાના કે-પૂર્વ વોર્ડે થોડા સમય પહેલા જ આ સ્થળનું ઈન્સપેકશન કર્યું હતું અને એ સમયે ત્યાં અમુક ત્રુટિઓ હોવાની જાણ તેમણે કૉન્ટ્રેક્ટર એલ ઍન્ડ ટીને કરી હતી. ડીફેક્ટ લાઈબિલિટી પીરિયડ (ડીએલપી)માં પાલિકાએ જો કોઈ ત્રુટિ જણાઈ આવે તો તેને પરિપૂર્ણ કરવા કૉન્ટ્રેક્ટર અને એમએમઆરસીએલ બંધાયેલા છે.

પાલિકાએ ૨૪ ઑગસ્ટ ૨૦૨૪ અને ૨૯ ઑગસ્ટ, ૨૦૨૪ના એમએમઆરસીએલને પત્ર લખી કહ્યું હતું કે જે ત્રુટીઓ જે તેને પરિપૂર્ણ કરવા માટે કૉન્ટ્રેક્ટર જવાબદાર છે. તેથી આ દુર્ઘટનાના સ્થળે રહેલી ત્રુટીઓ માટે એમએમસીએલઆર અને કૉન્ટ્રેક્ટર જવાબદાર છે એવો નિષ્કર્ષ સમિતિના અહેવાલમાં કાઢવામાં આવ્યો છે.

ઉચ્ચસ્તરીય કમિટીએ કૉન્ટ્રેક્ટર, એમએમઆરસીએલની સાથે જ સુધરાઈના કર્મચારીઓની પણ ટીકા કરી છે. કે-પૂર્વ વોર્ડના અધિકારીઓએ વારંવાર આ વિષય પર કૉન્ટ્રેક્ટર અને એમએમઆરસીએલને વાકેફ કર્યા હોવા છતાં આ દુર્ઘટના ઘટી હતી તે રસ્તો એ મુખ્ય રસ્તો હોવાથી અતિવૃષ્ટિની ચેતવણી બાદ પાલિકાના સંબંધિત કર્મચારીઓને એલર્ટ રહેવું જોઈતું હતું. જેના તરફ તેઓએ દુર્લક્ષ કર્યું હતું. ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે ઝોન-૩ના ડેપ્યુટી કમિશનર દેવદાસ ક્ષીરસાગરની સાથે ચીફ ફાયર ઓફિસર રવિન્દ્ર અંબુલગેકર અને ચીફ એન્જિનિયર (વિજિલન્સ) અવિનાશ તાંબેવાઘ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button