વિસર્જન પહેલા ખાડા પૂરી દેવામાં આવશે: સુધરાઈની ખાતરી રસ્તા પર હજી પણ ૬૦૦થી વધુ ખાડા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અનંત ચતુર્દશીના મુંબઈમાં મોટી સંખ્યામાં ગણેશમૂર્તિના વિસર્જન થશે ત્યારે મુંબઈના રસ્તા પર હજી પણ ૬૦૦થી વધુ ખાડાઓ છે.
ગુરુવારના એક જ દિવસમાં રસ્તા પર નવા ૭૯ ખાડાઓ મળી આવ્યા હતા. નાગરિકોની ફરિયાદને પગલે જ રસ્તા પર ખાડા પૂરી દેવામાં આવ્યા હતા ત્યાં ૧૦૫ જગ્યાએ ફરી ખાડા પડી ગયા છે.

આવતી કાલે મોટી ગણેશમૂર્તિઓને વિસર્જન દરમ્યાન કોઈ અવરોધ નિર્માણ ન થાય તેની ચિંતા ગણેશમંડળોને સતાવી રહી છે ત્યારે વોર્ડ સ્તરે અધિકારીઓને તેમના વિસ્તારમાં સતત નજર રાખીને ખાડાઓને શોધી કાઢીને તાત્કાલિક ધોરણે તેને પૂરી દેવાની સૂચના આપવામાં આવી હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે વોર્ડ સ્તરે રોડ એન્જિનિયરોને તેમના વિસ્તારમાં નજર રાખવાની અને અનંત ચતુર્દશીના પહેલા તમામ ખાડાઓ પૂરી દેવાની સૂચના આપવામાં આવી હતી. વરસાદની ગેરહાજરી કારણે ખાડા પૂરવાનું કામ ઝડપી બન્યું છે અને તેની સંખ્યામાં ઘટાડો થયો છે.
વિસર્જન પહેલા તમામ રસ્તા પરના ખાડઆોને પૂરી દેવામાં આવશે અને ગણેશમંડળોને કોઈ મુશ્કેલી નહીં થાય એની પૂરતી કાળજી લેવામાં આવશે. મુંબઈના રસ્તા ૧૩,૦૦૦થી વધુ ખાડા પડ્યા હતા, તેમાંથી અત્યાર સુધી ૧૨,૦૦૦થી વધુ ખાડા પૂરી દેવામાં આવ્યા છે. મુખ્યત્વે ભાંડુપ, ઘાટકોપર, સાયન, કુર્લા, અંધેરી, બાન્દ્રા, પરેલ, કલિના-કુર્લા, ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, બોરીવલી,મલાડ અને ગોરેગામમાં ખાડાનું પ્રમાણ વધું હતું.
રસ્તા પર પડનારા ખાડાઓનું સમારકામ તાત્કાલિક થાય તે માટે પાલિકાએ ‘પૉટહોલ ક્વિકફિક્સ મોબાઈલ ઍપ’ શરૂ કરી છે. મોટાભાગની ફરિયાદ આ ઍપ દ્વારા નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે અને તેની તાત્કાલિક નોંધ લઈને ખાડાઓને પૂરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
પાલિકાની વેબસાઈટ મુજબ નાગરિકો તરફથી પાલિકાને છેલ્લાં ત્રણ મહિનામાં ૧૩,૪૫૪ ફરિયાદ આવી હતી, તેમાંથી ૧૨,૮૪૨ ફરિયાદનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. જોકે હજી પણ મુંબઈના રસ્તાઓ પર ૬૧૨થી વધુ ખાડાઓ પડ્યા છે. બુધવારના ચાર સપ્ટેમ્બરના જ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ખાડાની ૭૪ જેટલી ફરિયાદ નોંધાઈ હતી.

તો ચાર દિવસમાં ખાડાઓની ૪૨૧ ફરિયાદ નોંધાઈ છે. પાલિકાના દાવા મુજબ ૧૩,૪૫૪ ખાડાઓની ફરિયાદમાંથી ૧,૦૧૧ ખાડા મુંબઈ મહાનગરપાલિકાની માલિકીની નહીં પણ અન્ય ઍજેન્સીના તાબામાં રહેલા રસ્તાઓ પર પડયા હતા. મુંબઈમાં સૌથી વધુ ખાડા ભાંડુપમાં ૨,૦૭૫ અને એ બાદ ઘાટકોપરમાં ૧,૨૯૫ ખાડાની ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો…ગણેશવિસર્જન માટે મુંબઈ પાલિકા સજ્જ: ૧૦,૦૦૦ અધિકારી-કર્મચારી તહેનાત…