મુંબઈને કરાશે ‘રૅબીઝ-મુક્ત’ ૨૮ સપ્ટેમ્બરથી ‘રૅબીઝ-મુક્ત’ અભિયાન હેઠળ મુંબઈમાં રસીકરણ થશે
સ્કૂલ, કોલેજ અને હાઉસિંગ સોસાયટીમાં જનજાગૃતિ ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શ્ર્વાન કરડવાથી થતા જીવલેણ રૅબીઝ રોગથી બચાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા સમગ્ર મુંબઈમાં ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૪થી ‘રૅબીઝ-મુક્ત’ ઝુંબેશ અમલમાં મૂકવાની છે, જે હેઠળ મુંબઈ મહાનગરમાં શ્ર્વાનનાં રસીકરણ કરવામાં આવવાનું છે. તેમ જ રૅબીઝ બાબતે ઠેક-ઠેકાણે જનજાગૃતિ ઝુંબેશ પણ અમલમાં મૂકવામાં આવવાની છે.
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ૨૦૩૦ની સાલ સુધીમાં ભારતને ‘રૅબીઝ-મુક્ત’ કરવા માટે નેશનલ એક્શન ડ્રાફ્ટ અમલમાં મૂક્યો છે, જે હેઠળ સુધરાઈએ ૨૦૨૨માં ‘મુંબઈ રૅબીઝ નિર્મૂલન પ્રોજેક્ટ’ હાથ લીધો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ‘વર્લ્ડવાઈડ વેટરનરી સર્વિસેસ-મિશનલ રૅબીઝ’ સાથે મળીને સુધરાઈએ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૮થી રખડતા શ્ર્વાનના રસીકરણ માટે ઝુંબેશ હાથ ધરવાની છે.
રસીકરણની સાથે જ આ બાબતે જનજાગૃતિ પણ કરવામાં આવવાની છે. હાઉસિંગ સોસાયટી, સ્કૂલ, ક્ધસ્ટ્રકશન સાઈટ જેવા સ્થળોએ પહોંચીને પ્રાણી સંદર્ભના કાયદા અને નિયમો બાબતે જનજાગૃતિ કરવામાં આવવાની છે. ઑગસ્ટમાં ૬૫ સ્કૂલમાં લગભગ ૧૩,૩૩૨ વિદ્યાર્થીઓને આ બાબતે માહિતી આપવામાં આવી હતી, જેમાં ૨૭૧ શિક્ષક અને ૭૯૩ નાગરિકોએ પણ ભાગ લીધો હતો.
ઓનલાઈન ફરિયાદ કરી શકાશે
રખડતા અથવા પાળેલાં પ્રાણીઓના રસીકરણ, વંધ્યીકરણ કરવું તે જ આ સંદર્ભમાં ફરિયાદ કરવા અથવા વિનંતી નોંધવા માટે સુધરાઈ તરફથી ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. માયબીએમસી (MyBMC) મોબાઈલ ઍપ પર અથવા https://vhd.mcgm.gov.in/register-grievanceઆ લિંક પર નાગરિકો વિનંતી અથવા ફરિયાદ કરી શકે છે. રખડતા શ્ર્વાનની નસબંધી કરવાના ઉપક્રમ ઝડપી બને તે માટે અમુક બિનસરકારી સંસ્થાની પણ નિમણૂક કરવામાં આવી છે.