રાજકીય વિભાજન બાદ હવે પાલિકાના મુખ્યાલયની શિવસેનાની ઓફિસના ભાગલા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ રાજકીય પક્ષોના જૂથનું રજિસ્ટ્રેશન બાદ હવે પાલિકાના મુખ્યાલયમાં પાર્ટી ઓફિસોની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવાનું કામ તેના અંતિમ તબક્કામાં છે. સંયુક્ત શિવસેનાના વિભાજન બાદ પાલિકાએ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને શિવસેના (એકનાથ શિંદે જૂથ) બંનેને એક જ ઓફિસના બે ભાગ કરીને સમાવી લેવાનો નિર્ણય લીધો છે.
૨૦૧૭ની પાલિકાની ચૂંટણી પછી મૂળ સંયુક્ત શિવસેનાને ફાળવવામાં આવેલી આ ઓફિસને હવે બે શિવસેનાને વહેંચી આપવામાં આવશે. રાજકીય વિભાજન હવે ઓફિસનું વિભાજન થશે.
માર્ચ, ૨૦૨૨માં ચૂંટાયેલા નગરસેવકોનો કાર્યકાળ પૂરો થયા બાદ પાલિકાના મુખ્યાલયમાં રાજકીય પક્ષોની ગ્રાઉન્ડ ફ્લોર ઓફિસ સીલ કરી દેવામાં આવી હતી. નવી ચૂંટાયેલી કૉર્પોરેશન આવતા અઠવાડિયામાં પાલિકાનો કારભાર સંભાળવાની તૈયારીમાં છે ત્યારે પાલિકા રાજકીય પક્ષના જૂથ નેતા, વિરોધપક્ષ નેતા અને વૈધાનિક અને સ્પેશિયલ સમિતિના અધ્યક્ષોની ઓફિસોને અંતિમ સ્વરૂપ આપી રહી છે.

શિવસેનાના વિભાજન અને ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે ઊભરી આવતા શહેરના રાજકીય સમીકરણમાં ફેરફાર થયો છે, તેને કારણે ઓફિસની ફાળવણીમા પણ ફેરફાર થયો છે.
સંયુક્ત શિવસેનાએ ૨૦૧૭માં ૮૪ બેઠકો જીતી હતી અને તેના સંખ્યાબળને આધારે ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટી ઓફિસ મળી હતી. હવે જોકે આ વખતે શિવસેના (યુબીટી) અને શિંદેસેના બંનેને સમાવવા માટે એક જ ઓફિસના બે ભાગ કરવામાં આવવાના છે. ઓફિસ અને તેની આસપાસના વિસ્તારનું નવીનીકરણ અને સુશોભનનું કામ હાલ ચાલી રહ્યું છે તે માટે પાલિકા કમિશનરે ભંડોળ પણ મંજૂર કરી દીધું છે.
૨૦૧૭ની સરખામણીમાં ભાજપે ૨૦૨૬માં ૮૨માંથી ૮૯ બેઠકો મેળવી છે તેથી તેની ઓફિસ યથાવત્ રહેશે . ભાજપ-શિંદે સેના મહાયુતિ ગંઠબંધન સત્તામાં આવતાની સાથે જ ભાજપે શુક્રવારે ઓફિસના ઉદ્ઘાટન માટે પૂજાનું આયોજન કર્યું છે.
આ દરમ્યાન કૉંગ્રેસ, મનસે અને એઆઈએમઆઈએમને પણ પાલિકા મુખ્યાલયમાં પાર્ટી ઓફિસ મળશે, તેમણે અનુક્રમે ૨૪, છ અને આઠ બેઠકો મેળવી છે. તો સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજિત પવાર)ને ઓફિસ મળશે નહીં, કારણકે તેમની પાસે ફક્ત બે અને ત્રણ નગરસેવક છે.



