દિવા તળે અંધારુ: પ્લાન મંજૂર નથી તો પણ હેડ ઓફિસનું રિનોવેશન
મુંબઇ: કોઇ પણ ઇમારતમાં ફેરબદલ કરતાં પહેલાં તેનો પ્લાન રજૂ કરવો આવશ્યક હોય છે. આવો પાલિકાનો નિયમ છે. પણ અહીં તો જે નિયમ બનાવે છે તે જ નિયમ તોડે પણ છે એવી પરિસ્થિતી સર્જાઇ છે. મુંબઇ મહાનગર પાલિકાએ ખુદ કોઇ પણ પ્લાન રજૂ કે મંજૂર કર્યા વગર જ હેડ ઓફિસની ઇમારતનું નવીનીકરણ કર્યું હોવાની વિગતો રાઇટ ટુ ઇન્ફર્મેશનના માધ્યમથી જાણવા મળી છે.
પાલિકા દ્વાર 2014થી અત્યાર સુધી પાલિકાની હેડ ઓફિસમાં રિનોવેશન કરેલા વિવિધ કામોની જાણકારી આપી હતી. જેમાં કોઇ પણ રિનોવેશન માટે રિવાઇઝ્ડ પ્લાન રજૂ ન કરાયો હોવાની વિગતો જાણવા મળી છે. આ અંગે આરટીઆઇ એક્ટીવીસ્ટ અનીલ ગલગલીએ માહિતી અધિકારના નિયમ હેઠળ જાણકારી માંગી હતી.
આ કામોમાં સ્કાયવે ઇન્ફ્રાપ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિસ્તારીત ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર, પહેલો માળ અને બીજા માળ પર કરવામાં આવેલ કામો માટે કોઇ પણ પ્લાન મંજૂર કરવામાં આવ્યો નહતો. ઉપરાંત શાનદાર ઇન્ટિરીયર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરસ પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા માળ પર જે કામો કરવામાં આવ્યા તેનો પ્લાન પણ મંજૂરી માટે અપાયો નહતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્લાનની મંજૂરી વગર કરવામાં આવેલ ફેરબદલ ભવિષ્યમાં જોખમી હોઇ શકે છે. ખાસ કરીને તો પાલિકાની હેડ ઓફિસમાં કોઇ પણ ફેરફાર કરતાં પહેલાં પાલિકાની વાસ્તુ વિશારદ સમિતિએ પ્લાન મંજૂર કરેલો હોવો જોઇએ.
પાલિકાની હેડ ઓફિસમાં જે પણ સુધારા વધારા કરવામાં આવ્યા છે તે ખાનગી કન્સલ્ટન્ટ પાસેથી કરાવવામાં આવ્યા છે. તેથી હવે આ થઇ ગયેલા કામોની એક વાર પાલિકાની વાસ્તુ વિશારદ સમિતી પાસેથી મંજૂરી મેળવી લેવી જોઇએ તેવી માંગણી આરટીઆઇ એક્ટીવીસ્ટ અનીલ ગલગલીએ કરી છે. અને જે લોકોએ પાલિકાની મંજૂરી વગર જ આ કામો કર્યા છે તેવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પર કાર્યવાહીની માંગણી પણ ગલગલીએ કરી છે.