ગણેશોત્સવમાં મીઠાઈ ખરીદનારા મુંબઈગરા માટે બીએમસીએ લીધો આ મહત્ત્વનો નિર્ણય…

મુંબઈઃ ગણેશોત્સવને હવે ગણતરીના દિવસ બાકી છે અને ગણેશોત્સવ માટે જરૂરી વસ્તુઓની ખરીદી કરવા માટે મુંબઈના રસ્તાઓ પર ભીડ જોવા મળી રહી છે. વાર-તહેવારે મિઠાઈની ખરીદી પણ મોટા પાયે કરવામાં આવે છે, કારણ કે આ જ સમયગાળા દરમિયાન મીઠાઈનું સેવન કરીને ફૂડપોઈઝનિંગના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને આને રોકવા માટે સુધરાઈએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. ખાદ્ય પદાર્થ વેચનારા દુકાનદારો અને બ્રાન્ડ્સ દ્વારા આ બાબતે કાળજી રાખવી જોઈએ એવું આહ્વાન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
એટલું જ નહીં આવનારા દિવસોમાં વૈદ્યકીય આરોગ્ય અધિકારી, સ્વચ્છતા નિરિક્ષકો પોતાના કાર્યક્ષેત્રના વિસ્તારોમાં માવા, મીઠાઈ, માવાને રાખવાના કોલ્ડ સ્ટોરેજ વગેરેની કડકાઈથી તપાસ કરવી, એવો નિર્દેશ પાલિકા દ્વારા આપવામાં આવ્યા છે.
પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ દ્વારા આ બાબતને ધ્યાનમાં લઈને ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના ના સર્જાય એ માટે પહેલી સપ્ટેમ્બર, 2023થી 31મી ડિસેમ્બર, 2023 સુધી ગણપતિ, નવરાત્રિ, દશેરા, દિવાળી, ક્રિસમસ જેવા તહેવારોને ધ્યાનમાં લઈને સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવાના આદેશો આપવામાં આવ્યા છે.
તહેવારોના દિવસોમાં ફૂડ પોઈઝનિંગ જેવી ઘટનાઓ ના બને એ માટે વૈદ્યકીય આરોગ્ય અધિકારીઓએ પોત-પોતાના વિભાગમાં મીઠાઈને કારણે થતા ફૂડપોઈઝનિંગ અંગે જાગરૂક્તા લાવવા માટે જનજાગૃતિ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
નાગરિકોને પણ મીઠાઈનો રંગ બદલાય, વાસ આવે કે ફૂગ જોવા મળે તો એવી મીઠાઈનું સેવન નહીં કરવાની સલાહ પણ આપવામાં આવી છે. આવી મિઠાઈ જો કોઈ દુકાન કે કોઈ જગ્યાએ જોવા મળે તો તરત જ તેની જાણ પાલિકાના સાર્વજનિક આરોગ્ય ખાતાના વૈદ્યકીય આરોગ્ય અધિકારીને કરવી એવું આહ્વાન પણ કરવામાં આવ્યું છે.