આમચી મુંબઈ

મુંબઈને મળતાં પાણીના ૩૪ ટકા વેડફાટને રોકવા બીએમસીએ કમર કસી

ક્ધસલ્ટન્ટની નિમણૂક કરશે: લીકેજ, ચોરી અને બાષ્પીભવનથી થાય છે નુકસાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને સાત જળાશયોમાંથી પ્રતિદિન ૩,૯૫૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. મુંબઈની વસતિ જોતા મુંબઈને દૈનિક સ્તરે ૪,૪૬૩ મિલ્યન લિટર પાણીની આવશ્યકતા છે, પરંતુ સુધરાઈના હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ દૈનિક પાણી પુરવઠામાંથી ૩૪ ટકા એટલે કે લગભગ ૧,૩૪૩ મિલ્યન લિટર પાણી ચોરી અને ગળતરને તથા ગરમીમાં પાણીનાં થતાં બાષ્પીભવનને કારણે પાણી ગુમાવવું પડે છે. ઓછું હોય તેમ ૩૮ ટકા એન્જિનિયરોની અછત હોવાને કારણે ગળતર સહિતની અન્ય સમસ્યાનો ઉકેલ લાવવામાં અડચણ આવી રહી છે.

મુંબઈને પાણી પૂરું પાડતા બે તળાવ તુલસી અને વિહાર શહેરની અંદર આવેલા છે જ્યારે અન્ય પાંચ જળાશય પડોશી જિલ્લા પાલઘર, થાણે અને નાશિકમાં આવેલા છે, જે લગભગ ૧૦૦થી ૧૭૫ કિલોમીટરના અંતરે આવેલા છે. આ તળાવોમાં રહેલાં પાણીને મુંબઈ સુધી પહોંચાડવા માટે ૫,૦૦૦ કિલોમીટરની પાઈપલાઈનનું નેટવર્ક મુંબઈમાં ફેલાયેલું છે. મુંબઈની પાણીની જરૂરિયાત પ્રતિ દિનની ૪,૪૬૩ મિલ્યન લિટરની છે, તેની સામે ૫૦૦ એમએલડીની અછત છે. વધુમાં ડેમમાં પાણીનો પૂરતો સ્ટોક હોવા છતાં પ્રતિદિન ૩૪ ટકા પાણીનું નુકસાન થતું હોવાથી પાણીપુરવઠાની સમસ્યામાં વધારો થયો છે.

પાલિકાના પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ જળાશયોથી મુંબઈ તરફ જતી પાણીની પાઈપલાઈનો જંગલો તથા અનેક દુર્ગમ સ્થળોમાંથી પસાર થાય છે, જેમાં અમુક જગ્યાએ અન્ડરગ્રાઉન્ડ છે. અન્ડરગ્રાઉન્ડ પાણીની પાઈપલાઈનને કારણે ગળતર અને ચોરીની શક્યતા તો ઘટી જાય છે પણ સાથે જ પાઈપલાઈનની સુરક્ષા અને તેની જાળવણી કરવી પણ સરળ રહે છે. જમીનની ઉપર રહેલી પાઈપલાઈનને માટી-કાંપ સહિત ભેજવાળા હવામાન, કચરો અને કેમિકલથી ધીમી ગતિએ નુકસાન થતું હોય છે અને તેને કારણે પાણીની પાઈપલાઈનમાં કાટ લાગીને લીકેજ થવાની શક્યતા વધી જતી હોય છે.

નવા જોડાણથી ચોરીમાં ઘટાડો
સુધરાઈના હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર પુરષોત્તમ માલાવદેએ જણાવ્યુ હતું કે શહેરોમાં બિન-મહેસૂલ પાણીની ટકાવારી ૩૮ ટકાથી ૪૦ ટકા સુધીની છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૩૮ ટકાથી ઘટાડીને ૩૪ ટકા સુધી લાવવામાં આવી છે. વધુમાં અમે ૯૫ કિલોમીટરનું ટનલ નેટવર્ક નાખ્યું છે. હાલમાં ‘વોટર ટુ ઓલ’ પોલિસી હેઠળ લગભગ ૩,૫૦૦ નવા જોડાણ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આપવામાં આવ્યા છે, જેને કારણે પાણીની ચોરીમાં ઘટાડો થયો છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટથી પાઈપલાઈનને નુકસાન
ચીફ એન્જિનિયર પુરષોત્તમ માલાવદેએ જણાવ્યુ હતું કે જળાશયોમાં હાલ ૩૯૫ દિવસ ચાલે એટલું પાણી જમા થઈ ગયું છે, પરંતુ ગરમીમાં તથા તહેવારો દરમિયાન વધારાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તો હાલ મુંબઈમાં અનેક જગ્યાએ જુદા જુદા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, તેઓ ખોદકામ દરમિયાન પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પાડતા હોય છે અને તેને કારણે પણ કરોડો લિટર પાણીનો વેડફાટ થતો હોય છે.

હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટમાં ૩૮ ટકા સ્ટાફની અછત
હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટમાં વર્ષોથી સ્ટાફની અછત રહી છે. હાલ હાઈડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગમાં ૧,૧૦૦ અનુસૂચિત પોસ્ટમાંથી ૩૮ ટકા એન્જિનિયરની જગ્યાઓ ખાલી છે. ચીફ એન્જિનિયિરના જણાવ્યા મુજબ તેમની પાસે સ્ટાફ ઓછો છે, તેમાં પાછું અમુક એન્જિનિયરોને ચૂંટણીની ફરજ પર તહેનાત કરી દેવામાં આવ્યા છે, તેને કારણે પાણીપુરવઠા સિસ્ટમને અસર થાય છે.

ગળતર શોધવા એજન્સીની નિમણૂક: લીકેજ કઈ રીતે બંધ કરવું એ એજન્સી સૂચવશે
સુધરાઈએ ગળતર પાછળના ચોક્કસ કારણ શોધવા અને તેની માટે ઉપાયયોજના માટે એક એજન્સીની નિમણૂક કરવાની છે. અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈનમાં ગળતર શોધવું પડકારજનક કામ છે. છતાં હાલ સુધરાઈ ક્રાઉલિંગ કેમેરા દ્વારા ગળતર શોધવાનું કામ કરી રહી છે. છતાં ગળતર પાછળ ચોક્કસ કયા કારણો છે અને શું ઉપાય યોજના અમલમાં મૂકવી તે માટે એજન્સી નિમવાનો સુધરાઈએ નિર્ણય લીધો છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button