આમચી મુંબઈ

અનંત ચતુર્દશીના વિસર્જન માટે બીએમસી સજ્જ

10,000 કર્મચારી, 71 કંટ્રોલ રૂમ, 198 કૃત્રિમ તળાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ તહેવારની પાર્શ્વભૂમિ પર હવે ગુરુવારે 28 સપ્ટેમ્બરના અનંત ચતુર્દશીના દિવસે ગણપતિબાપ્પાની મૂર્તિનું નિર્વિઘ્ન રીતે વિસર્જન પાર પાડવા મુંબઈ મહાનગરપાલિકાએ જબરદસ્ત તૈયારીઓ કરી છે. પાલિકાના લગભગ 10,000 કર્મચારી, 71 કંટ્રોલ રૂમ તેમ જ અન્ય સુવિધાઓ સાથે સજ્જ થઈ ગઈ છે. આ વખતે ગણેશ મૂર્તિના વિસર્જન માટે 69 નૈસર્ગિક સ્થળ સહિત કુલ 198 કૃત્રિમ વિસર્જન સ્થળની વ્યવસ્થા કરવામાં આવી છે, જયાં ભક્તો પોતાના ગણપતિબાપ્પાને વિદાય આપી શકશે.

મુંબઈના જુદા જુદા દરિયાકિનારા પર ગણેશમૂર્તિના વિસર્જન માટે મોટા પ્રમાણમાં તૈયારીઓ કરવામાં આવી છે. ગણેશમૂર્તિ વિસર્જન માટે આવનારા વાહનો ચોપાટી પરની રેતીમાં અટકી જાય નહીં અને મૂર્તિનું વિસર્જન સુરક્ષિત રીતે પાર પડે તે માટે ચોપાટીના કિનારા પર 468 સ્ટીલ પ્લેટ બેસાડવામાં આવી છે. તો નાની ગણેશમૂર્તિના વિસર્જન માટે જુદા જુદા સ્થળે 46 જર્મન તરાફાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચોપાટી પર સુરક્ષાની દ્દષ્ટિએ 764 લાઈફગાર્ડ સહિત 48 મોટર બોટ તહેનાત કરવામાં આવ્યા છે. વિસર્જન પહેલા ભક્તેો અર્પણ કરેલા હાર, ફૂલ વગેરે નિર્માલ્ય જમા કરવા માટે 150 નિર્માલ્ય કલશ સહિત 282 નિર્માલ્ય વાહનોની સગવડ કરવામાં આવી છે.

પાલિકાના જુદા જુદા ખાતાના કર્મચારીઓ વચ્ચે યોગ્ય સમન્વય સાધવા માટે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત પ્રશાસકીય વિભાગના સ્તર પર 188 કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે. તો સુરક્ષાની દ્દષ્ટિએ 60 વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે. જુદા જુદા ઠેકાણે 68 સ્વાગત કક્ષ તૈયાર કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા 75 પ્રથમોપચાર કેન્દ્ર સહિત 69 ઍમ્બ્યુલન્સ સજ્જ રાખવામાં આવ્યા છે. બધી જગ્યાએ પૂરતી લાઈટ મળી રહે તે માટે થાંભલા પર ઊંચી જગ્યા પર લગભગ 1,083 ફ્લડલાઈટ અને 27 સર્ચલાઈટ લગાડવામાં આવી છે. વિસર્જન માટે આવનારા નાગરિકોની સુવિધા માટે 121 ફરતા શૌચાલય સજ્જ રાખવામાં આવ્યા છે. એ સાથે જ ઈમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે ફાયરબ્રિગેડના વાહનો સાથે પ્રશિક્ષિત ફાયર મેનને તહેનાત કરવામાં આવવાના છે.

ગણેશમૂર્તિના વિસર્જન દરમિયાન આ કાળજી લેવી

અનંત ચતુર્દશીના દિવસે તમામ વિસર્જન સ્થળે ભક્તોએ દરિયામાં બહુ ઊંડા પાણીમાં જવાનો પ્રયાસ કરવો નહીં. મૂર્તિના વિસર્જન માટે પાલિકા મારફત નીમવામાં આવેલા પ્રશિક્ષિત મનુષ્યબળની મદદ લેવી. અંધારું હોય એવા ઠેકાણે ગણેશમૂર્તિનું વિસર્જન કરવું નહીં. તરવા માટે પ્રતિબંધિત વિસ્તારમાં જવું નહીં. દરિયામાં અથવા તળાવમાં કોઈ ડૂબતું જાય તો તુરંત ફાયરબ્રિગેડ અને પોલીસને તથા લાઈફગાર્ડને તેની માહિતી આપવી. નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું.

માછલીનો ડંખ લાગે તો શું કરવું?

ઑગસ્ટથી ઑક્ટોબરના સમયગાળા દરમિયાન મુંબઈના દરિયાકિનારા પર બ્લૂ બટન જેલીફિશ' અનેસ્ટિંગ રે’ પ્રજાતિની માછલીઓ આવે છે. તેથી વિસર્જન દરમિયાન આ માછલીઓનો ડંખ લાગે નહીં તેની નાગરિકેોએ ખાસ કાળજી લેવી. મત્સ્યડંખની ઘટના ઘટે તો ચોપાટી પરિસરમાં વૈદ્યકીય કક્ષ સજ્જ રાખવામાં આવ્યો છે. `સ્ટીંગ રે’નો ડંખ હોય તો તે જગ્યાએ બળતરા થઈને ખંજવાળ થાય છે. નાગરિકોએ તુરંત નજીકના પ્રથમોચાર કેન્દ્રમાં અથવા હૉસ્પિટલમાં પહોંચી સારવાર લેવી.

મૂર્તિનો વિસર્જન સમય ઍડવાન્સમાં બુક કરો

ગણેશમૂર્તિ વિસર્જન માટે ભક્તોને સુવિધા રહે અને વિસર્જન સ્થળે એક જ સમયે ભીડ થઈને ધક્કામુક્કી થાય નહીં તે માટે પાલિકાએ https://portal.mcgm.gov.in આ વેબસાઈટ પર મૂર્તિના વિસર્જનનો સમય રજિસ્ટર્ડ કરાવવા માટે ઑનલાઈન રજિસ્ટે્રશનની સુવિધા ઉપલબ્ધ કરી આપી છે. MyBMC WhatsApp Chatbot Ap આ 8999-22-8999 નંબરના ચૅટબૉટમાં ગણેશમંડળોને પોતાના નજીકના વિસર્જન સ્થળને શોધવાનો પર્યાય ઉપલબ્ધ કરી આપવામાં આવ્યો છે.

સાતમા દિવસે 800થી વધુ વિસર્જન

મુંબઈ: મુંબઈમાં સોમવારે સાતમા દિવસના સાંજે છ વાગ્યા સુધીમાં 827 ગણેશમૂર્તિના વિસર્જન થયા હતા, જેમાંથી 23 સાર્વજનિક મંડળની મૂર્તિ હતી. તો 788 ગણેશમૂર્તિ ઘરની હતી, તો 16 ગૌરીમૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમાંથી સાંજે છ વાગ્યા સુધીમાં કુલ 306 ગણેશમૂર્તિના વિસર્જન કૃત્રિમ જળાશયમાં કરવામાં આવ્યા હતા, જેમાં સાર્વજનિક ગણેશમંડળના બે, ઘરના 298 અને છ ગૌરી મૂર્તિનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button