ગણેશવિસર્જન માટે મુંબઈ પાલિકા સજ્જ: ૧૦,૦૦૦ અધિકારી-કર્મચારી તહેનાત...
આમચી મુંબઈ

ગણેશવિસર્જન માટે મુંબઈ પાલિકા સજ્જ: ૧૦,૦૦૦ અધિકારી-કર્મચારી તહેનાત…

મુંબઈમાં ૭૦ નૈસર્ગિક અને ૨૯૦ કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: વિધ્નહર્તા ગણપતિ બાપ્પાને શનિવારે અનંતચતુર્દશીના વિદાય આપવા માટે મુંબઈ શહેર સહિત ઉપનગરમાં આવેલા ૭૦ નૈસર્ગિક અને ૨૯૦ કૃત્રિમ વિસર્જન સ્થળ પર વ્યવસ્થા કરવામાં આવી છે.

ગણેશભક્તોને છ ફૂટથી ઓછી ઊંચાઈની મૂર્તિઓેને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાની અપીલ કરવાની સાથે જ મુંબઈ મહાનગરપાલિકા પોતાના ૧૦,૦૦૦થી વધુ અધિકારી અને કર્મચારીઓને વિસર્જન માટે તહેનાત કરવાની છે.

મુંબઈમાં મહત્ત્વના વિસર્જન સ્થળો પણ પાલિકા દ્વારા છેલ્લાં બે મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં ગણેશમૂર્તિના વિસર્જન માટે આવનારા વાહનો ચોપાટીની માટીમાં ફસાઈ ના જાય તે માટે અને મૂર્તિનું વિસર્જન વિધ્ન વગર પાર પડે તે માટે વિવિધ ઠેકાણે આવેલી ચોપાટીના કિનારા પર ૧,૧૭૫ સ્ટીલ પ્લેટ તેમ જ નાની ગણેશમૂર્તિના વિસર્જન માટે જુદા જુદા ૬૬ જર્મન તરાફાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચોપાટીઓ પર સુરક્ષાની દૃષ્ટિએ ૨,૧૭૮ લાઈફગાર્ડ સહિત ૫૬ મોટરબોટ તહેનાત કરવામાં આવી છે. ફૂલ-હારના નિર્માલ્યને જમા કરવા માટે ૫૯૪ નિર્માલ્ય કશ સહિત ૩૦૭ નિર્માલ્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના જુદા જુદા ખાતાના કર્મચારીઓમાં યોગ્ય સમન્વય સાધવા માટે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત પ્રશાસકીય વોર્ડના સ્તર પર ૨૪૫ કંટ્રોલરૂમ આવેલા છે. તો સુરક્ષાની દૃષ્ટિએ ૧૨૧ ટાવર વોચ ઊભા કરવામાં આવ્યા છે. વિસર્જન સ્થળ પર ૪૨ ક્રેનની સાથે જ જુદા જુદા વિસર્જન ઠેકાણે ૨૮૭ સ્વાગત કક્ષ તૈયાર કરવામાં આવ્યા છે.

વિસર્જન સ્થળે આવનારા ભક્તો માટે પાલિકાના આરોગ્ય વિભાગ મારફત ૨૩૬ પ્રથમોપચાર કેન્દ્ર સહિત ૧૧૫ ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વિસર્જન સ્થળે પ્રકાશ મળી તે માટે ૬,૧૮૮ ફ્લડલાઈટ અને ૧૩૮ સર્ચલાઈટ બેસાડવામાં આવી છે. નાગરિકોની સુવિધા માટે ૧૯૭ તાત્પૂરતા શૌચાલયો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

કૃત્રિમ તળાવની માહિતી અહીં મળશે
પાલિકાની વેબસાઈટ પર તેમ જ ક્યૂઆર કોડ સ્કેન કરીને ગણેશભક્તો પોતાના ઘરની નજીક આવેલા કૃત્રિમ તળાવના સ્થળની વિગત મેળવી શકશે. મુંબઈમાં પર્યાવરણપૂરક ગણેશોત્સવ માટે પાલિકાએ ૨૯૦ કૃત્રિમ તળાવ તૈયાર કર્યા છે. પાલિકાની વેબસાઈટ પર

https://www.mcgm.gov.in/irj/go/km/docs/documents/HomePage%20Data/Whats%20New/ganpati_art_ponds.pdf

આ લિંક પર કૃત્રિમ તળાવની યાદી ઉપલબ્ધ છે. આ યાદીમાં સંબંધિત કૃત્રિમ તળાવની ગુગલ મૅપ લિંક પણ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. તેમ જ ક્યૂઆર કોડ સ્કેન કરીને અથવા પાલિકાને વૉટસઍપ ચૅટબૉટ ૮૯૯૯ -૨૨-૮૯૯૯ નંબર કૃત્રિમ તળાવ સંબંધિત માહિતી મેળવી શકાશે.

નાગરિકોને પાલિકાની સૂચના
ઑગસ્ટથી ઑક્ટોબર દરમ્યાન મુંબઈના દરિયા કિનારા પર બ્લૂ બટન જેલીફિશ અને સ્ટિંગ રે પ્રજાતિની માછલીઓ આવતી હોય છે. તેથી વિસર્જન દરમ્યાન ભક્તોએ શક્ય હોય તો હોય તો દરિયા કિનારામાં વિસર્જન માટે અંદર ઉતરવું નહીં અને મત્સ્યદંશ થાય નહીં તે માટે કાળજી લેવી અને જો કોઈને પગ પર માછલીએ ડંખ માર્યો તો તેમની માટે વૈદ્યકીય કક્ષની સાથે જ ઍમ્બ્યુલન્સ સજ્જ રાખવામાં આવી છે.

ભક્તોએ પાણીમાં બહુ ઊંડા જવું નહીં અને પાલિકા દ્વારા નીમવામાં આવેલા પ્રશિક્ષિત મનુષ્યબળાની મદદથી ગણેશમૂર્તિનું વિસર્જન કરવું. પાલિકા જે જગ્યાએ તરવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યાં તરવા માટે ઊતરવું નહીં. દરિયામાં અથવા તળાવમાં કોઈ ડૂબી રહ્યું હોવાનું જણાઈ ઓ તો તરત ફાયરબ્રિગેડ અને પોલીસને અથવા તો લાઈફગાર્ડને તેની જાણ કરવી. વિસર્જન દરમ્યાન કોઈ પણ અફવા પર ધ્યાન આપવું નહીં અને નાના બાળકોની ખાસ કાળજી રાખવી.

વિસર્જનના દિવસે ભરતી અને ઓટનું ધ્યાન રાખવું
અનંત ચતુર્દશીના દિવસે શનિવારે દરિયામાં સવારના ૧૧.૦૯ વાગે ૪.૨૦ મીટરની ભરતી રહેશે. સાંજે ૫.૧૩ વાગે ઓટ હશે. તો રાતના ૧૧.૧૭ વાગે દરિયામાં ફરી ભરતી હશે અને એ સમયે દરિયામા ૩.૮૭ મીટર ઊંચા મોજા ઉછળશે. બીજા દિવસે રવિવારે સાત સપ્ટેમ્બરના સવારના ૫.૦૬ વાગે ઓટ હશે અને સવારના ૧૧.૪૦ વાગે દરિયામાં ભરતી સમયે ૪.૪૨ મીટર ઊંચા મોજાં ઉછળશે. તેથી ભરતી અને ઓટ દરમ્યાન ભક્તોને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button