પાલિકાની ચૂંટણીમાં ફિક્સ ડિપોઝિટ મુદ્દો ગાજ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એશિયાની સૌથી શ્રીમંત કહેવાથી મુંબઈ મહાનગરપાલિકાની હજારો કરોડો રૂપિયાની ફિક્સ ડિપોઝિટ આ વખતની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે મહત્ત્વનો મુદ્દો બની ગયો છે. એક સમયે પાલિકા પાસે જુદી જુદી બેન્કમાં ૯૨ હજાર કરોડથી વધુ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ જમા હતી, જે આજે ઘટીને લગભગ ૮૦ હજાર કરોડ પર આવી ગઈ છે.
મુખ્ય પ્રધાને એક ચૂંટણી સભા દરમ્યાન પાલિકાની કરોડોની ફિક્સ ડિપોઝિટને શું ચાટવી છે એવો સવાલ કરીને જુદી જુદી બેન્કમાં રહેલી કરોડો રૂપિયાની ફિક્સ ડિપોઝિટને લઈને લોકોમાં કુતુહલ ઊભું કર્યું છે. પાલિકાની એક સમયે ૯૨ હજાર કરોડથી પણ વધુ ફિક્સ ડિપોઝિટ હતી પણ સમય જતા તેમા ઘટાડો થતો ગયો છે.
પાલિકાએ કરોડો રૂપિયા જુદી જુદી બેન્કમાં મુક્યાં છે. પાલિકા પોતાની ફિક્સ ડિપોઝિટ અને તેના વ્યાજની રકમમાંથી પોતાના નિવૃત કર્મચારીઓના પેન્શન સહિત એસ્ટાબ્લિશમેન્ટના ખર્ચ કરે છે. તેમ જ જુદા જુદા ઈન્ફ્રાસ્ટ્રકચર કામ માટે કૉન્ટ્રેક્ટર પાસેથી લીધેલી ડિપોઝિટ રકમને પણ ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવતી હોય છે.
કોરોના મહામારી દરમ્યાન ક્ધસ્ટ્રકશન કામ ઠપ્પ થઈ જતા પાલિકાએ મોટા પ્રમાણમાં પ્રિમીયમમાં રાહત આપી હતી અને તેને કારણે માર્ચ ૨૦૨૨માં ૧૪,૭૫૦ કરોડની આવક થઈ હતી. તેથી પાલિકાની ફિક્સ ડિપોઝિટ માર્ચ ૨૦૨૨માં લગભગ ૯૧ હજાર કરોડથી પણ ઉપર પહોંચી ગઈ હતી, ત્યારબાદ એફડીમાં જોકે સતત ઘટાડો થતો ગયો હતો. જૂન ૨૦૨૫માં એફડી ૮૦,૭૪૦ કરોડ પહોંચી ગઈ હતી.
એફડીની રકમ મોટા પ્રમાણમાં વિકાસકામ માટે વાપરવામાં આવતી હોવાથી એફડીની રકમ બે-અઢી વર્ષમાં ઘટવા લાગી છે. એક વખતમાં ૯૦,૦૦૦ કરોડની આગળ ગયેલી એફડી હવે લગભગ ૮૦,૦૦૦ કરોડ પર આવી ગઈ છે.
વર્ષ ૨૦૨૧-૨૨ની સરખામણીમાં ૨૦૨૨-૨૩ની એફડી રકમ પાંચ હજાર કરોડથી ઘટી ગઈ હતી. તો હાલ ફરી તેમાં ઘટાડો થઈ ગયો છે. જૂન ૨૦૨૫માં તે ૮૦ હજાર કરોડ પર આવી ગઈ હતી.
આ પણ વાંચો…મહારાષ્ટ્રની ૨૯ મહાનગરપાલિકામાં ૧૫,૯૩૧ ઉમેદવાર ચૂંટણીનો જંગ લડશે



