આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈના રસ્તા પરના ગેરકાયદે બાંધકામ પર પાલિકાનો હથોડો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં મોહમ્મદ અલી રોડ, ઝકેરિયા રોડ સહિત મૌલાના શૌકતઅલી રોડ પરની ફૂટપાથ અને રસ્તા પર ગેરકાયદે રીતે ફર્નિચર, લાકડાનું સામાન સહિત ભંગારની દુકાનો ઊભી કરનારા સામે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂટપાથ અને રસ્તાને અતિક્રમણ મુક્ત કરવામાં આવ્યા હતા.

છેલ્લા અનેક વર્ષોથી મૌલાના શૌકલ અલી રોડ પર મોટા પ્રમાણમાં ફર્નિચર તથા લાકડાના સામાનની દુકાન ગેરકાયદે રીતે બનાવી દેવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં ભંગારની પણ દુકાનો હતી. અહીં ફૂટપાથ પર જૂના ફર્નિચરના સમારકામ કરીને તેનું વેચાણ કરવામાં આવતું હતું. ફૂટપાથ અને રસ્તા પરની આ દુકાનોને કારણે રાહદારીઓને ચાલવા માટે અહીં જગ્યા નહોતી. અતિક્રમણ દૂર કરીને રસ્તો તથા ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે મુક્ત કરી હતી.

પાલિકાના ‘બી’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે ૨૯ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી દરમ્યાન વોર્ડમાં ગેરકાયદે બાંધકામને હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. જે અંતર્ગત મંગળવારે દિવસ દરમ્યાન મોહમ્મદ અલી રોડ, ઝકેરિયા રોડ પરના ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણ હટાવી દેવામાં આવ્યા હતા. એ સાથે જ અહીં સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરાઈ હતી. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેવાની છે.

મૌલાના શૌકલ અલી રોડ પાલિકાના ‘ડી’, ‘સી’ અને ‘ઈ ’ વોર્ડની ઓફિસની હદમાં આવતો હોવાથી ત્રણે વોર્ડ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યવાહી પાર પાડવામાં આવી હતી. એક જેસીબી મશીન, ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમ્યાન ફર્નિચર અને બાંકડાને તોડી પાડવામાં આવ્યા હતા. તો ગેસ સિલિન્ડર સહિત ફેરિયાઓનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં હાથ ધરવામાં આવેલી પાલિકાની આ કાર્યવાહી દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button