રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ પર શું લગાવ્યો આરોપ?

મુંબઈઃ મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની મહાપરીક્ષાના પરિણામનો દિવસ છે. આજે સવારે 10 વાગ્યે મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓમાં મતગણતરી થઈ ગઈ છે. મુંબઈમાં BMCની મતગણતરી માટે 23 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને દરેક કેન્દ્રમાં એક સાથે 2 વોર્ડના મતોની ગણતરી કરવામાં આવશે. પ્રારંભિક વલણોમાં ભાજપને બહુમત મળી રહી છે. જેને લઈ લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર જનતાને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કેટલાક અખબારોના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. જેમાં ગુરુવારે મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન આંગળી પર લગાવવામાં આવેલી શાહી ભૂંસાઈ જવાના મામલાને ઉઠાવ્યો હતો.
રાહુલ ગાંધીએ તેને લોકશાહીમાં વિશ્વાસના ઘટાડા સમાન ગણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા જનતાને ભ્રમિત કરવી એ આપણી લોકશાહીમાં ભરોસાના અભાવનું કારણ છે. અંતમાં તેમણે ભાર મૂકતા કહ્યું કે વોટની ચોરી એ દેશ વિરોધી કૃત્ય છે.
ગુરુવારે BMC સહિત મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓમાં મતદાન બાદ આંગળી પરની શાહી ભૂંસાઈ જવાના દાવા અને વાયરલ વીડિયોએ નવો વિવાદ છેડ્યો છે. આ બાબતે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ તેજ થઈ છે અને ચૂંટણી પંચે સ્પષ્ટતા પણ આપી હતી. સૌથી પહેલા આ મામલે રાજ્યના પ્રધાન અને શિંદે જૂથના શિવસેના નેતા સંજય શિરસાટે ગુરુવારે દાવો કર્યો હતો કે આ શાહી સરળતાથી ભૂંસાઈ રહી છે, જેનાથી બોગસ મતદાનની આશંકા ઉભી થઈ શકે છે.
ત્યારબાદ, મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે મતદારની આંગળી પર લગાવેલી અમીટ શાહીને ભૂંસવી અથવા મતદાન દરમિયાન ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવો એ ચૂંટણીલક્ષી ગેરરીતિ માનવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચે મતદારો અને તમામ પક્ષોને કડક ચેતવણી આપી હતી કે નિયમોનું ઉલ્લંઘન કરવું એ ગંભીર ગુનો છે અને કોઈ પણ સંજોગોમાં બીજી વાર મતદાનની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો…રાહુલ ગાંધીએ ટ્રમ્પ ટેરિફ મુદ્દે પીએમ મોદી પર કર્યા પ્રહાર, કહ્યું ફરક સમજો સર જી



