BMC Election Results: હું બાળાસાહેબનો શિષ્ય અને ઠાકરેનો કટ્ટર સમર્થક છું, જાણો જીત બાદ કયા પૂર્વ મેયરે આપ્યું નિવેદન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. આ ચૂંટણીમાં અનેક જાણીતા નેતાઓની હાર થઈ છે. ચૂંટણીમાં જીત બાદ પૂર્વ મેયર મિલિંદ વૈદ્યએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, હું આજે ખુશ છું. હું બાળાસાહેબનો શિષ્ય છું. મેં બાળાસાહેબ ઠાકરેના શબ્દોનું પાલન કર્યું છે. તેમણે કહ્યું કે, મારા ગયા બાદ મારા પુત્રો અને પૌત્રોને સંભાળજો. હું વચન નીભાવી રહ્યો છું. બાકી બીજા ગદ્દાર છોડીને ચાલ્યા ગયા. હું પૂર્વ મેયર રહી ચુક્યો છું. હું ઠાકરેનો કટ્ટર સમર્થક છું, કામ તો કરીશ જ.
ઓવૈસીની પાર્ટી AIMIM એ સૌને ચોંકાવ્યા
BMC ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ સૌને ચોંકાવી દીધા છે. મુંબઈના ત્રણ વોર્ડમાં AIMIM ના ઉમેદવારોનો વિજય થયો છે. ઈરશાદ ખાન વોર્ડ 135માંથી, મહજબીન અતિક અહેમદ વોર્ડ 134માંથી અને ખૈરુનિસા હુસૈન વોર્ડ 145માંથી જીત્યા છે.
વોર્ડ નંબર 172 ભાજપના રાજશ્રી શિરવાડકર, વોર્ડ નંબર 107માંથી ભાજપના નીલ સોમૈયા, વોર્ડ નંબર 33માંથી કોંગ્રેસના કમરજા સિદ્દીકી વિજયી થયા છે. વોર્ડ નંબર 193માંથી શિવસેના (UBT)ના હેમાંગી વર્ળીકર, વોર્ડ નંબર 201માંથી અપક્ષના ઈરમ સિદ્દીકી, 204માંથી શિવસેના અનિલ કોકીડ, વોર્ડ નંબર 215માં ભાજપના સંતોષ ઢોલેનો વિજય થયો છે.
મુંબઈમાં કેટલું મતદાન થયું હતું
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે 52.94 ટકા મતદાન થયું છે. સત્તાવાર માહિતી અનુસાર, અગાઉ 2017માં આ મતદાનની ટકાવારી 55.53 ટકા હતી. એટલે કે, આ વખતે મતદાનનો દર પાછલી ચૂંટણીની સરખામણીએ થોડો ઓછો રહ્યો છે. 2017ની BMC ચૂંટણીમાં અવિભાજિત શિવસેના 84 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી, જ્યારે ભાજપ માત્ર બે ડગલાં પાછળ 82 બેઠકો પર રહ્યો હતો. કોંગ્રેસને 31, NCPને 9 અને મનસે (MNS) ને 7 બેઠકો મળી હતી. જોકે, આ વખતે રાજ્યની બદલાયેલી રાજકીય પરિસ્થિતિઓ અને પક્ષોમાં થયેલા વિભાજનને કારણે સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.
આ પણ વાંચો…મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી: વોર્ડ નંબર 194માં વર્ચસ્વ તો ઠાકરે પરિવારનું જ…



