BMC ચૂંટણી પરિણામો 2026: મુંબઈમાં શિવસેનાના 25 વર્ષના સામ્રાજ્યનો અંત; શું ઠાકરે બંધુઓની ‘મરાઠી કાર્ડ’ની રણનીતિ નિષ્ફળ ગઈ?

મુંબઈઃ દેશ જ નહીં પણ એશિયાની સૌથી ધનવાન અને મોટી મહાનગર પાલિકા ગણાતી મુંબઈ મહાનગર પાલિકામાં પહેલી જ વખત ભાજપ મેયર બનાવવા જઈ રહ્યું છે. માત્ર બીએમસી જ નહીં પણ મહાયુતિએ મહારાષ્ટ્રની 29 પાલિકામાંથી 25 પાલિકા પર ભગવો લહેરાવીને ઠાકરે બંધુઓ જ નહીં પણ સંપૂર્ણ વિપક્ષને પરાસ્ત કરી દીધા છે. હવે આવી પરિસ્થિતિમાં સવાલ એ છે હિંદુ હ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેના રાજકીય વિરાસતનું શું થશે? ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની આગળની રણનીતિ શું હશે? ચાલો નજર કરીએ…
મુંબઈ મહાનગર પાલિકાના ચૂંટણીના પરિણામોની સૌથી મહત્ત્વની અને ધ્યાન ખેંચે એવી હાઈલાઈટ્સ તો એ છે કે 25 વર્ષ બાદ પાલિકામાં શિવસેનાનો મહેલ કડડભૂસ થઈ ગયો છે. હવે સવાલ બાળાસાહેબ ઠાકરેના વારસાનો, મૂલ્યોનો, પાલિકામાં રાજ કરનારા શિવસેનાના અસ્તિત્વનો છે. જેને બચાવવા માટે 20 વર્ષ બાદ ઠાકરે બંધુઓએ હાથ મિલાવ્યા, એક મંચ પર આવ્યા એને મહારાષ્ટ્રની જનતાએ સદંતર નકારી કાઢ્યો છે. મુંબઈમાં શિવસેના કે જેને આપણે ઉદ્ધવસેના તરીકે પણ ઓળખીએ છીએ એની વિદાય થઈ તો રાજ ઠાકરે પણ 10 બેઠકો મેળવવામાં હાંફી ગયા છે.
પરિણામો એકદમ સ્પષ્ટ છે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની જોડીને મુંબઈની જનતા સ્વીકારી શકી નહીં. કટ્ટર મરાઠા પોલિટિક્સ મહારાષ્ટ્રની જનતાને સમજાયું નહીં. ઉત્તર ભારતીયો સામે આચરવામાં આવેલી હિંસાની અસર પણ દેખાઈ. એટલું જ નહીં પણ ઠાકરે બ્રધર્સ નોન મરાઠી વોટર્સને પોતાની તરફ કરવામાં પણ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. જ્યારે મુસ્લિમ વોટર્સે આ ગઠબંધનથી પીઠ ફેરવી લીધી છે.
મુંબઈના જે માતોશ્રી પર 25 વર્ષથી પાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જશ્ન, ઉલ્લાસ, ઉમંગ અને આનંદનો માહોલ જોવા મળતો હતો ત્યાં ગઈકાલે સન્નાટો, શાંતિ અને સુનકાર ફેલાઈ ગયો હતો. ગઈકાલે આવેલા પરિણામો બાદ કેટલાક સવાલો ઉપસ્થિત થયા છે જેમ કે શું રાજ ઠાકરેને કારણે ઉદ્ધવ ઠાકરેને નુકસાન થયું? શું કોંગ્રેસ સાથે છેડો ફાડવાની ભૂલ ઉદ્ધવ ઠાકરેને મોંઘી પડી? શું મતદારોએ શિંદેની ઠાકરે લેગેસી પર નાગરિકોને વધારે ભરોસો બેઠો? શું ભવિષ્યમાં રાજ-ઉદ્ધવ સાથે ચૂંટણીઓ લડશે? હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું શું થશે?
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં લાગેલા ઝાટકાને કારણે ઉદ્ધવ ઠાકરેએ પાલિકાની ચૂંટણીમાં પોતાની રણનીતિ બદલીને મહાવિકાસ આઘાડીથી દૂર થઈને, જૂના મતભેદોને ભૂલીને ભાઈ રાજ ઠાકરે સાથે હાથ મિલાવ્યા. પરંતુ ઉદ્ધવ ઠાકરેની આ રણનીતિ પણ નિષ્ફળ નિવડી છે. ઉદ્ધવ ઠાકરેના પોલિટિકલ કરિયર પર સવાલ ઉપસ્થિત થયો છે, કારણ કે જે બાળાસાહેબ ઠાકરેના વારસાનો ઉદ્ધવ ઠાકરે ઉલ્લેખ કરે છે તે પરિણામોમાં પરિવર્તિત થતી નથી દેખાઈ રહી.
જોકે, બીએમસીની ચૂંટણીના પરિણામો ઉદ્ધવ ઠાકરેના વિરુદ્ધમાં આવ્યા એના કેટલાક બીજા કારણો પણ છે. જેમ કે 25 વર્ષથી બીએમસી પર રાજ કરનારી શિવસેના સામે એન્ટી ઈન્કમ્બેંસીનો પડકાર પણ હતો. ઉદ્ધવ અને રાજ ઠાકરેએ રેલી અને સભાના બદલે પ્રેસ કોન્ફરન્સ પર વધારે ભાર મૂક્યો, જેને કારણે તેઓ જનતા સાથે જોડાઈ શક્યા નહીં. માત્ર મરાઠી વોટર્સને ટાર્ગેટ કરવાની ભૂલ પણ ઉદ્ધવ ઠાકરેને ભારે પડી, જેને કારણે નોન મરાઠી વોટર્સમાં ખાસ્સી એવી નારાજગી જોવા મળી રહી છે.
ઉત્તર ભારતીયો, ગુજરાતી સહિતના અન્ય પરપ્રાંતિયો માટેનો દ્વેષભાવે પણ ક્યાંકને ક્યાંક ગઈકાલે આવેલા પાલિકાની ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જોઈએ હવે ઠાકરે બંધુઓ પરાજયના કારણોનું મનોમંથન કરીને ભવિષ્યમાં શું નવી રણનીતિ ગોઠવે છે…
આ પણ વાંચો…ભાંગ્યું તોય ભરૂચ: આંગણીને વેઢે ગણાય એટલા જ ગુજરાતી નગરસેવક…



