ચૂંટણી પ્રક્રિયામાં ગેરહાજર રહેલા ૬,૮૭૧ અધિકારી-કર્મચારીઓને નોટિસ…

આજથી ૪,૫૨૧ અધિકારી-કર્મચારી સામે પોલીસ કાર્યવાહી…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા માટેની ચૂંટણી પ્રક્રિયામાં ગેરહાજર રહેલા કુલ ૬,૮૭૧ અધિકારી-કર્મચારીઓને કારણ દર્શાવો નોટિસ મોકલવામાં આવી છે. તેમાંથી ૨,૩૫૦ અધિકારી અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થયા છે. તો વારંવાર સૂચના આપીને પણ ટ્રેનિંગ, પ્રત્યક્ષ મતદાન પ્રક્રિયા અને આપવામાં આવેલી ચૂંટણી ફરજ માટે ગેરહાજર રહેનારા ૪,૫૨૧ અધિકારી-કર્મચારી સામે સોમવાર, ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬થી પોલીસ કાર્યવાહી કરવામાં આવવાની હોવાનું પાલિકાના એડિશનલ કમિશનરે જણાવ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકાની ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ ચૂંટણી યોજવાની છે અને ૧૬ જાન્યુઆરીના મતગણતરી થવાની છે. આ પ્રક્રિયા માટે નીમવામાં આવેલા અધિકારી-કર્મચારીઓને મતદાન પ્રક્રિયા માટે પહેલા અને બીજા તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. ચૂંટણી ફરજ માટે નીમવામાં આવેલા તમામ અધિકારી-કર્મચારીઓને ટ્રેનિંગમાં હાજર રહેવું ફરજિયાત હતું.
જે અધિકારી-કર્મચારી ગેરહાજર રહ્યા હતા તેમને શનિવાર, ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ના છેલ્લી તક આપવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં ગેરહાજર રહેવા અને ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા માટે આ તમામ લોકો સામે રવિવાર, ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬થી ચૂંટણી કાયદાઅંતર્ગત આકરા શિસ્તભંગનાં પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો…મહાયુતિનો ચૂંટણી ઢંઢેરો: મહિલાઓ માટે વ્યાજમુક્ત લોન અને BEST બસમાં 50 ટકા ભાડામાં રાહતની જાહેરાત
આ કાર્યવાહીમાં મુંબઈ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી, નેશનલ બેંક, બેસ્ટ, બીએસએનએલ, એચપીસીએલ, વિમા કંપની, એલઆઈસી, મ્હાડા, એમટીએનએલ, પોસ્ટ ખાતું, રેલવે, આરસીએફ, નાબાર્ડ આ સરકારી અને અર્ધસરકારી, સાર્વજનિક ઉપક્રમના તમામ અધિકારી-કર્મચારીનો સમાવેશ થાય છે.
પાલિકાના એડિશનલ કમિશનરે જણાવ્યું હતું કે ચૂંટણી એ સંવિધાનિક અને કાયદેસરની જવાબદારી હોઈ તેમાં બેદરકારી દાખવવી એ ગંભીર ગુનો માનવામાં આવે છે. તે અનુસાર ૪,૫૨૧ કર્મચારીઓને નોટિસ આપીને તેમની ઓફિસ જઈને સોમવાર, ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬થી પોલીસ મારફત કાર્યવાહી કરવામાં આવવાની છે. આ કાર્યવાહી અંતર્ગત ગુનો નોંધવાનું, દંડાત્મક કાર્યવાહી તેમ જ વિભાગીય શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે લગભગ ૧,૦૩,૪૪,૩૧૫ મતદારો છે. તેથી મોટા પ્રમાણમાં કર્મચારીઓની આવશ્યકતા હોય છે. ૧૫ જાન્યુઆરીના મતદાન અને ૧૬ જાન્યુઆરીના મતગણતરી થવાની છે. તે માટે મોટા પ્રમાણમાં કર્મચારીઓની આવશ્યકતા હોય છે પણ આ વખતે કર્મચારીઓની સંખ્યા ઓછી જણાઈ આવી છે. તેથી પ્રશાસનને આકરાં પગલાં લેવાની ફરજ પડી હોવાનું એડિશનલ કમિશનરે જણાવ્યું હતું.
આ પણ વાંચો…ઈલેક્શન-તૂ તૂ મૈં મૈંઃ ઉદ્ધવ ઠાકરેના એક લાખના પડકાર સામે ફડણવીસે કહ્યું તત્કાળ પૈસા મોકલો…



