આમચી મુંબઈ

ચૂંટણી પહેલા ૪૫.૯૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને ૩.૧૦ કરોડની રોકડ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી મુબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રોકડ રકમ, દારૂ અને અન્ય પદાર્થોથી મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસ પ્રકાશમાં આવ્યા છે. સોમવારે પાલિકા પ્રશાસને જણાવ્યું હતું કે શહેરમાં ૪૫.૯૫ના કરોડ રૂપિયાના ડ્રગ્સ અને કુલ ૩.૧૦ કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. મોટી માત્રામાં દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે. મતદાન દરમ્યાન કાયદો અને વ્યસ્થા જાળવવા માટે ૨૯ લોકો સામે બિનદખલપાત્ર અને દખલપાત્ર ગુનાઓ માટે કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

મુંબઈ મહાનગરપાલિકાની ૧૫ જાન્યુઆરીએ સવારના ૭.૩૦ વાગ્યાથી સાંજના ૫.૩૦ વાગ્યા સુધી મતદાન થવાનું છે. પાલિકા ૨૦૨૬ની ચૂંટણી પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય અને આચારસંહિતાનું પાલન થાય તે માટે પાલિકાએ ૧૪૮ ફ્લાઈંગ સ્કવોડ અને ૧૮૧ સ્ટેટિક સર્વેલન્સ ટીમની રચના કરી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં આ સ્કવોડ દ્વારા ૮.૦૩ લાખ રૂપિયાનો ૧,૨૩૭ લિટર દારૂ પકડી પાડવામાં આવ્યું છે. વધુમાં ૪૪.૯૫ કરોડ રૂપિયાના પંચાવન કિલોગ્રામ માદક દ્રવ્ય પણ જપ્ત કરવામાં આવ્યો છે. ચૂંટણી દરમ્યાન મતદારોને પ્રભાવિત કરવા માટે રોકડ ઉપયોગ વ્યાપકપણે થાય છે. આ સંદર્ભમાં સર્તક ચૂંટણી અધિકારી અને પોલીસે ૩.૧૦ કરોડ રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરી છે.

પાલિકા પ્રશાસને જણાવ્યું હતું કે મુંબઈના ૨૩ સ્થળો જપ્તી કરવામાં આવી હતી, જેમાં જોગેશ્ર્વરી કે-પૂર્વ વોર્ડમાં ૨૦ લાખ રૂપિયાનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ ૨૯ ચૂંટણી સંબંધિત કેસ નોંધાયા છે, જેમાં ૧૩ બિનદખલપાત્ર અને ૧૬ દખલપાત્ર ગુનાઓનો સમાવેશ થાય છે.

મુંબઈ પોલીસે ૩૬ હથિયાર, ૧૧૫ તીક્ષ્ણ હથિયાર અને બાવન રાઉન્ડ દારૂગોળો પણ જપ્ત કર્યો છે. ચૂંટણી પહેલા ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ૨,૪૫૦ વ્યક્તિઓ સામે પગલા લેવામાં આવ્યા છે. આ દરમ્યાન ચૂંટણી સમયગાળામાં પાલિકાએ કુલ ૭,૬૫૧ ગેરકાયદેસર હૉર્ડિંગ્સ અને ૧,૬૦૧ ધ્વજ દૂર કર્યા હતા.

ચૂંટણી પ્રચારનો સમયગાળો મંગળવારે સાંજે ૫.૩૦ વાગે સત્તાવાર રીતે પૂરો થશે. આ સમયમર્યાદા પછી તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ તાત્કાલિક તેમની પ્રચાર સામગ્રી દૂર કરવી પડશે. તેનું પાલન કરવામાં નિષ્ફળ જનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને તેને દૂર કરવા માટે થતો કોઈ પણ પ્રકારનો વહીવટી ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવામાં આવશે એવું પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું. રાજ્યના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ, મેસેજિંગ ઍપ્સ, સોશ્યલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા સહિત તમામ માધ્યમોને મતદાનના ૪૮ કલાક પહેલા પ્રચાર પર પણ પ્રતિબંધ રહેશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button