આમચી મુંબઈમહારાષ્ટ્ર

પાણીની પાઈપલાઈનમાં લીકેજ રોકવા રૂ. ૧૩૩ કરોડ ખર્ચાશે

પશ્ચિમનાં ઉપનગરો તથા દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં ઓછા દબાણે મળતા પાણી પુરવઠાની ફરિયાદો આને લીધે દૂર થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈનાં પશ્ચિમના ઉપનગર તથા દક્ષિણ મુંબઈનાં છેવાડે આવેલા વિસ્તારોમાં ઓછા દબાણ સાથે અપૂરતું પાણી મળવાની ફરિયાદો લાંબા સમયથી થઈ રહી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ જૂની અને જર્જરિત થઈ ગયેલી પાઈપલાઈનને કારણે થતા ગળતર અને તથા દુષિત પાણીની ફરિયાદને દૂર કરવા માટે અમુક જગ્યાએ પાણીની પાઈપલાઈનને બદલવાનો તેમ જ આવશ્યક જણાય ત્યાં પાઈપલાઈનમાં સમારકામ કરવાનો નિર્ણય લીધો છે. તેમ જ મુંબઈ મહાનગર પાલિકાએ આ કામ માટે ૧૩૩ કરોડ રૂપિયાનાં ટેન્ડર બહાર પાડ્યાં છે.

મુંબઈનાં પશ્ચિમ ઉપનગરમાં મુખ્યત્વે દહિસર, બોરીવલી, કાંદિવલી, ગોરેગામ સહિત દક્ષિણ મુંબઈના કોલાબા, ફોર્ટમાં ઓછા દબાણ સાથે અપૂરતો પાણીપુરવઠો મળી રહ્યો હોવાની નાગરિકો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા છે. સાથે જ અમુક વિસ્તારોમાં ગંદુ અને ડહોળું પાણી મળતું હોવાની પણ ફરિયાદો આવી રહી છે. પાલિકાએ દાયકા જૂની પાઈપલાઈનને બદલવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પાલિકાએ તાજેતરમાં પાણીની પાઈપલાઈનના સમારકામ તથા તેને બદલવાના કામ માટે ૧૩૩ કરોડ રૂપિયાનાં ટેન્ડર બહાર પાડ્યાં છે.

બોરીવલી, કાંદિવલીમાં નાગરિકો સતત પાણીને લગતી ફરિયાદ કરી રહ્યા છે ત્યારે બુધવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ બોરીવલી અને કાંદિવલી વિસ્તારની મુલાકાત લઈ નાગરિકોની પાણી પુરવઠા સંબંધી ફરિયાદો સાંભળી હતી. એ બાદ કમિશનરે અધિકારીઓને નાગરિકોની પાણીપુરવઠાને લગતી સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવાનો આદેશ આપ્યો હતો. તેમ જ જે સ્થળે પાઈપલાઈનમાં ગળતર છે, તે તાત્કાલિક શોધવાનો અને વધારાના કર્મચારીઓને કામે લગાવીને ગળતર શોધીને દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

પાલિકાના હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાણીની પાઈપલાઈન દાયકાઓ જૂની હોવાથી તેને કાટ લાગી ગયો છે. તો મુંબઈમાં હાલ અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામ પણ ચાલી રહ્યા છે, તેના ખોદકામ દરમિયાન પાણીની પાઈપલાઈનમાં અનેક વખત ભંગાણ પડીને પાઈપલાઈનને નુકસાન થવાના બનાવ બન્યા છે, તેને કારણે પણ પાઈપલાઈનને નુકસાન થવાની સાથે જ પાણીપુરવઠાને અસર થાય છે. મુખ્યત્વે પશ્ચિમનાં ઉપનગરમાં આ કામ હાથ ધરવામાં આવવાના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button