બે દિવસમાં 433 કરોડ પ્રોપર્ટી ટેક્સ વસૂલ્યો પાલિકાએ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રોપર્ટી ટેક્સ જમા કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં પાલિકા દ્વારા ૩૦ અને ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૪ના ફક્ત બે દિવસમાં ૪૩૩ કરોડ રૂપિયા નાગરિકો પાસેથી વસૂલ કરવામાં સફળ રહી છે. એ સાથે જ પહેલી એપ્રિલથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪માં કુલ પ્રોપર્ટી ટેક્સની રકમ ૫,૮૪૭ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જોકે આ રકમમાં અગાઉના નાણાકીય વર્ષના ૧,૬૬૦ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે, કારણકે અગાઉના નાણાકીય વર્ષની પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાની મુદત ૨૫ મે, ૨૦૨૪ સુધી વધારવામાં આવી હતી. તો ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં ૩,૧૯૫ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.
પ્રોપર્ટી ટેક્સની ગણતરીમાં નવી પદ્ધતિઓ સાથે જોડાયેલી કાયદાકીય જટિલતાઓને કારણે ૨૦૨૩-૨૪ નાણાકીય વર્ષમાં ૬,૦૦૦ કરોડ રૂપિયાનું લક્ષ્યાંક હોવા છતાં આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. લગભગ ૧,૩૦૫ કરોડ રૂપિયા ઓછા જમા થયા હતા. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ મુખ્યત્વે પ્રોપર્ટી ટેક્સના બિલ ફેબ્રુઆરી, ૨૦૨૪માં મોડેથી મોકલવામાં આવ્યા હતા, તેને કારણે બાદમાં પાલિકાને પ્રોપર્ટી ટેક્સ વસૂલી માટે ૨૫ મે, ૨૦૨૫ સુધીની મુદત લંબાવી પડી હતી. તેમ જ નાગરિકો પાસેથી લેટ ફી પણ વસૂલ કરવામાં આવી નહોતી. જોકે ગયા વર્ષના અનુભવ બાદ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂઆતથી જ મોટા ડિફોલ્ટરોને પર પાલિકાએ પોતાના રડારમાં લીધા હતા.
ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર અંત સુધીમાં નાગરિકો પોતાનો ટેક્સ ભરી શકે તે માટે પાલિકાએ પાલિકા મુખ્યાલયની સાથે જ તમામ વોર્ડ ઓફિસ પર સુવિધા કેન્દ્રો રાતના મોડે સુધી ચાલુ રાખ્યા હતા, જેથી લોકો પોતાનો ટેક્સ ભરી શકે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અધિકારી અને કર્મચારીઓની જહેમતને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી પાંચ હજાર ૮૪૭ કરોડ ૬૮ લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ જમા કરવામાં સફળતા મળી છે. ૩૧ માર્ચ, ૨૦૨૫માં સુધીમાં અમારો લગભગ ૬,૨૦૦ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક પૂરો કરવાનો અમારો પ્રયાસ રહેશે.
Also read: પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં: પાલિકા કમિશનર
નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાની હદમાં નવ લાખથી વધુ પ્રોપર્ટી આવેલી છે, જેની પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં આવે છે. જોકે તાજેતરના વર્ષોમાં પાલિકાની આવકમાં મોટો ઘટાડો થયો છે, તેનું મુખ્ય કારણ ૫૦૦ ચોરસ ફૂટ સુધીના રહેણાંક મિલકતો માટે પ્રોપર્ટી ટેક્સમાં છૂટની સાથે જ ૨૦૧૫-૧૫થી પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો.
પાલિકાના જણાવ્યા મુજબ ૩૦ ડિસેમ્બરના એક જ દિવસમાં ૧૭૩.૫૯ કરોડ રૂપિયા તો ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના ૨૬૦ કરોડ ૨૮ લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ નાગરિકોએ ભર્યો હતો, જેમાં ફક્ત ડિસેમ્બર મહિનામાં જ પાલિકા ૫૦૧ કરોડ સાત લાખ રૂપિયાનો વિક્રમી ટેક્સ વસૂલ કરવામાં સફળ રહી છે.