BMCએ 10 મહિનામાં 54 લાખ કિલો પ્લાસ્ટિકની બોટલોનો કચરો એકઠો કર્યો
મુંબઈ: બીએમસી અને રાજ્ય સરકારના પ્રયાસો છતાં મુંબઈમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થયો નથી. BMCએ જાન્યુઆરીથી ઓક્ટોબર 2023 વચ્ચેના 10 મહિનામાં 54 લાખ કિલો પ્લાસ્ટિકની બોટલો એકઠી કરી છે. BMCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા વિભાગે લગભગ 78 લાખ કિલોગ્રામ રિસાયકલ કરી શકાય તેવું પ્લાસ્ટિક પણ એકઠું કર્યું છે, જે ગયા વર્ષ કરતાં ઘણું વધારે છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટનું પ્રમાણ મુંબઈમાં સૌથી વધારે છે. તેમાં પણ લોકો મોટાભાગે શાકભાજી, ફળો અને ફૂડ રેપર માટે વપરાતી પ્લાસ્ટિકની થેલીઓ અને પ્લાસ્ટિકની બોટલો કચરામાં નાખે છે. બીએમસીના અધિકારીના જણાવ્યા પ્રમાણે હોટલ, ફૂડ સ્ટોલ અને અન્ય દુકાનોમાંથી બોટલબંધ પ્લાસ્ટિકનું પાણી ખરીદવામાં આવે છે અને તેનો ઉપયોગ કર્યા બાદ લોકો કચરામાં ફેકી દે છે.
એક સર્વે પ્રમાણે મુંબઈમાં બોટલ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે. BMCએ વર્ષ 2021માં 46.98 લાખ કિલો પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરવામાં આવી હતી. વર્ષ 2022માં 58.98 લાખ કિલો પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરી હતી. ત્યારે BMCએ વર્ષ 2023ના પ્રથમ દસ મહિનામાં 54.71 લાખ કિલો પ્લાસ્ટિકની બોટલો એકઠી કરી છે. BMCના ગાર્બેજ વિભાગે પ્લાસ્ટિકની બોટલો તેમજ રિસાયકલ કરી શકાય તેવું પ્લાસ્ટિક એકઠું કર્યું છે.
આ પ્લાસ્ટિકમાં ફૂડ પ્લેટ, ગ્લાસ, ચમચી, બેગ, બાઉલ, કન્ટેનર, સ્ટ્રો, કપ વગેરેનો સમાવેશ થાય છે. BMCએ જાન્યુઆરીથી ઑક્ટોબર 2023 સુધીમાં 78 લાખ 4555 કિલો રિસાયકલ કરી શકાય તેવું પ્લાસ્ટિક એકઠું કર્યું છે.
મુંબઈમાં દરરોજ 6000 થી 7000 હજાર મેટ્રિક ટન કચરો પેદા થાય છે. સુકા કચરામાં પ્લાસ્ટિકની બોટલો, અન્ય પ્લાસ્ટિક, અખબારો, મિશ્રિત કાગળો, બોક્સ, કાર્ડબોર્ડ, થર્મોકોલ, કાચની બોટલો, કપડાં, ઈ-વેસ્ટ જેવા તમામ કચરાનો સમાવેશ થાય છે. હાલમાં મુંબઈમાં કુલ 48 કચરો પ્રોસેસિંગ કરતા સેન્ટર કાર્યરત છે.
લોકોમાં જાગૃતિનો અભાવ એ શેરીઓમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ફેંકવામાં આવે છે. અને આ તમામ પ્લાસ્ટિકનો કચરો મુંબઈના નાળાઓમાં જાય છે. અને આથી વરસાદની સિઝનમાં નાળાઓની સફાઈમાં પ્લાસ્ટિકની બોટલોનો કચરો જ નીકળે છે. આ બોટલોના કારણે નાળાઓ બ્લોક થઇ જાય છે.