BMC નું જમ્બો બજેટઃ જાણો શહેર માટે શું શું સપના દેખાડ્યા છે બજેટમાં…
મુંબઈ: જેની બહુ આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે મુંબઇગરા માટેનું બૃહનમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2025-26નું 74,427 કરોડ રૂપિયાનું બજેટ રજૂ થઇ ગયું છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ 2025-26 માટે બજેટ રજૂ કર્યું છે, જેમાં પાછલા વર્ષ કરતા રૂ. 14,473 કરોડનો નોંધપાત્ર વધારો દર્શાવવામાં આવ્યો છે. ઉપરાંત આ બજેટમાં બેસ્ટ (બૃહન્મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ને રૂ. 1,000 કરોડની સહાય આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. બીએમસીની અંદાજિત આવક રૂ. 43,159 કરોડ છે. બજેટમાં આશરે રૂ. 60.65 કરોડની સરપ્લસ દર્શાવવામાં આવી છે. બજેટમાં મુખ્ય ફોકસ ગોરેગામ-મુલુંડ લિંક રોડ, મુંબઇ કોસ્ટલ રોડ અને ગટરના પાણીનો શુદ્ધિકરણ પ્લાન્ટ પર છે. આ ઉપરાંત ઝુંપડપટ્ટી વિસ્તારમાં કરવામાં આવતા વ્યવસાયો પર વ્યવસાય કર લાદવાની દરખાસ્ત પણ આમાં કરવામાં આવી છે.
Also read : ભાયખલા પ્રાણીબાગમાં માછલીઘર બનાવવાની યોજના પર પાણી ફરી વળ્યું…
બીએમસીના અંદાજિત આવકના સ્ત્રોતઃ-
આગામી નાણાકીય વર્ષમાં બીએમસીને પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ. 5,200 કરોડની આવક થશે, જે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત ચાલુ અને નવા પ્રોજેક્ટ્સ માટે બીએમસીએ આંતરિક કામચલાઉ ટ્રાન્સફર દ્વારા રૂ. 16,699 કરોડ ઊભા કર્યા છે. ભવિષ્યના વિકાસના પ્રોજેક્ટો માટે બજેટમાંથી રૂ. 43,162.23 કરોડ ફાળવવામાં આવ્યા છે.
બીએમસીએ કોઇ નવા પ્રોજેક્ટ ચાલુ કરવાની યોજના નથી બનાવી, પણ મુંબઇના મુખ્ય ઇન્ફ્રા. પ્રોજેક્ટ્સને નોંધપાત્ર બજેટ મળતું રહે તેના પ્રયત્નો બજેટમાં કરવામાં આવ્યા છે. મુંબઇનો કોસ્ટલ રોડ પ્રોજેક્ટ, વર્સોવા-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટ, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું અપગ્રેડેશન અને ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે રૂ. 13,310 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત મુંબઇમાં રોડ નિર્માણ અને તેની જાળવણી માટે રૂ. 5,100 કરોડ અલગ રાખવામાં આવ્યા છે. શહેરમાં પુલ નિર્માણ અને તેના જાળવણીના ખર્ચ પેટે 1,980 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે નાણાકીય વર્ષ2024-25માં બીએમસીએ રૂ. 59,954 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જે એના અગાઉના વર્ષ કરતા 13.9 ટકા વધુ હતું. એમાંથી કુલ બજેટના 53 ટકા એટલે કે રૂ. 31,774 કરોડ જેટલી રકમ તો મૂડી ખર્ચ માટે રાખવામાં આવી હતી. 31 ડિસેમ્બર, 2024 સુધીમાં આમાંથી લગભગ 52 ટકાનો ઉપયોગ કોસ્ટલ રોડ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પાણી પુરવઠા જેવા ઇન્ફ્રા. પ્રોજેક્ટમાં કરી લેવામાં આવ્યો હતો.
Also read : Budget 2025: બજેટમાં રેલવે માટે ગુજરાતને 17,155 કરોડ-મહારાષ્ટ્રને 23,778 કરોડની ફાળવણી
નોંધનીય છે કે બીએમસી આર્થિક રીતે ઘણી સદ્ધર છે. દેશની બધી મહાનગર પાલિકાઓમાં તે સૌથી વધુ અમીર છે. તેની પાસે હાલમાં 81,000 કરોડ રૂપિયાની તો ફિક્સ્ડ ડિપોઝીટ છે. હાલમાં બીએમસીએ શહેરી માળખાગત સુવિધાઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે, જેનાથી નાગરિકોને રોડ, પાણીપુરવઠા, ગટર વગેરે અંગે સારી સુવિધાઓ મળે.