અમેરિકન બર્ગર કિંગને ફટકોઃ પુણેની રેસ્ટોરાં સામે કેસ હાર્યું
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બ્રાંડ ગણાતી અને આખી દુનિયામાં પોતાના આઉટલેટ્સ ધરાવતી અમેરિકાની બર્ગર કિંગ કોર્પોરેશન ભારતની એક નાનકડી રેસ્ટોરાં સામે કાયદાકીય જંગ હારી ગઇ છે. પુણેની જિલ્લા અદાલતે બર્ગર કિંગ દ્વારા ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરવા બદલ પુણેની રેસ્ટોરાં વિરુદ્ધ કરેલી અરજી ફગાવી દીધી હતી.
ચુકાદો આપતા જજ સુનિલ વેદપાઠકે જણાવ્યું હતું કે પુણેની ‘બર્ગર કિંગ’ રેસ્ટોરાં ભારતમાં અમેરિકાએ બર્ગર કિંગની આઉટલેટ શરૂ કરી તેના પહેલાથી ચાલતી હતી. આ ઉપરાંત બર્ગર કિંગ પુણેની રેસ્ટોરાંએ તેમના ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કર્યું હોવાનું પુરવાર કરવામાં નિષ્ફળ ગઇ છે.
બર્ગર કિંગ દ્વારા 2011માં પુણેમાં ચાલતી ‘બર્ગર કિંગ’નામની સ્થાનિક રેસ્ટોરાં વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી, જેમાં ટ્રેડમાર્કના ઉલ્લંઘનના આરોપ ઉપરાંત આર્થિક નુકસાનની ભરપાઇની માગણી પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : હવે મુંબઇમાં પણ કોલકાતા વાળી! મહિલા ડૉક્ટર સાથે દુર્વ્યવહાર અને મારપીટ
આ અરજી પુણેની સ્થાનિક બર્ગર કિંગના માલિક અનાહિતા ઇરાની અને શાપુર ઇરાની વિરુદ્ધ કરવામાં આવી હતી અને આર્થિક નુકસાન પેટે વીસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી.
અદાલતે ચુકાદો આપતા જણાવ્યું હતું કે બર્ગર કિંગે ભારતમાં 2014થી પોતાના આઉટલેટ્સ શરૂ કરી વેપાર શરૂ કર્યો હતો જ્યારે પુણેની સ્થાનિક બર્ગર કિંગ રેસ્ટોરાં 1991-1992થી શરૂ છે. બચાવ પક્ષ 1992થી આ નામનો ઉપયોગ કરી રહ્યું છે. આ સિવાય બર્ગર કિંગ નામના કારણે ગ્રાહકો કઇ રીતે મૂંઝવણમાં મુકાય છે તે વિશે પણ અરજદારે મૌન સેવ્યું છે.
પુણેની સ્થાનિક રેસ્ટોરાંએ બર્ગર કિંગનો ટ્રેડમાર્ક ચોરી કર્યો છે અને તેના કારણે તેમને આર્થિક રીતે નુકસાન થયું છે તે સાબિત કરવામાં તે નિષ્ફળ ગયા છે અને તેમની પાસે પુરાવા પણ નથી. ઉલ્લેખનીય છે કે બર્ગર કિંગે ભારતમાં સૌપ્રથમ 9 નવેમ્બર, 2014માં દિલ્હીમાં પોતાનું પહેલું આઉટલેટ શરૂ કર્યું હતું.