મુંબઈની સરકારી હોસ્પિટલોમાં લોહીની અછત
મુંબઈ: ઑક્ટોબર અને નવેમ્બરમાં વધતી ગરમી અને દિવાળીની રજાઓને લીધે રક્ત એકત્ર કરવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે અને એની અસર બ્લડ બેંકોમાં દેખાઈ રહી છે. બ્લડ બેંકો દ્વારા ઈ બ્લડ સેલ પર જે રેકોર્ડ બનાવવામાં આવી રહ્યા છે તે મુજબ મુંબઈની મહત્વની સરકારી હોસ્પિટલોની બ્લડ બેંકોમાં લોહીની ઉપલબ્ધતા ઓછી હોવાનું ધ્યાને આવ્યું છે.
રક્તકોશ વેબસાઈટ પર બ્લડ સ્ટોકની નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી દર્દીઓ અને તેમના સગાંઓને બ્લડ બેંકોમાં લોહીના સ્ટોકની ઉપલબ્ધતાની જાણ થાય. દરરોજ સવારે બ્લડ બેંકની વેબસાઇટ ઈ રક્તકોશ પર નોંધણી કરવામાં આવે છે. આ મુજબ, ઇ બ્લડ સેલના ધ્યાન પર આવ્યું છે કે મુંબઈની મહત્વની સરકારી હોસ્પિટલોમાં થોડા દિવસોથી ઓછા બ્લડ યુનિટ ઉપલબ્ધ છે.
મુંબઈની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં બી પોઝીટીવ રક્તના માત્ર ત્રણ યુનિટ જ ઉપલબ્ધ છે. તેવી જ રીતે, જે.જે. હોસ્પિટલ બ્લડ બેંકમાં વિવિધ રક્ત ઘટકોના નવ યુનિટ છે, જે.જે. ઇ બ્લડ બેંક પરના રેકોર્ડ મુજબ, મહાનગર બ્લડ બેંકમાં ૮ યુનિટ, રાજાવાડીમાં ૧ યુનિટ, સાયન હોસ્પિટલમાં ૫ યુનિટ, કેઈએમ હોસ્પિટલમાં ૫૭ યુનિટ અને નાયર હોસ્પિટલમાં ૧૫૨ યુનિટ ઉપલબ્ધ છે.
સુભાષ સોને, જાહેર માહિતી અધિકારી, સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલએ કહ્યું હતું કે,દિવાળી દરમિયાન દર્દીઓ શસ્ત્રક્રિયા કરાવવામાં ઓછું પસંદ કરતા હોય છે. તેથી લોહીની વધુ જરૂર નથી પડતી. લોહીની કોઈ માંગ ન હોવાથી અત્યારે લોહીની કોઈ અછત નથી.