આજે મધ્ય અને હાર્બર લાઈનમાં બ્લોક
મુંબઈ: મધ્ય રેલવેના થાણે-કલ્યાણ અને હાર્બર લાઇનના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી ચુનાભટ્ટી/બાન્દ્રા આ સ્ટેશનો વચ્ચે વિવિધ કામકાજને લીધે રવિવારે બ્લોક લેવામાં આવવાનો છે, એવી માહિતી રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવી છે. મધ્ય રેલવેના થાણેથી કલ્યાણ અપ અને ડાઉન ફાસ્ટ માર્ગમાં સવારે ૧૦.૪૦ વાગ્યાથી બપોરે ૩.૪૦ વાગ્યા સુધી બ્લોક રાખવામાં આવ્યો છે. આ બ્લોકને લીધે માર્ગમાં દોડતી ફાસ્ટ લોકલ ટ્રેનોને સ્લો લાઇન પર દોડાવવામાં આવશે, જેથી ટ્રેનો ૧૫-૨૦ મિનિટ સુધી મોડી દોડશે. સીએસએમટી/દાદરથી રવાના થતી મેલ/એક્સ્પ્રેસ ટ્રેનોને કલ્યાણ દરમિયાન પાંચમા લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે જેને લીધે ટ્રેનોની સેવાને અસર થતાં પ્રવાસીઓને રેલવેનું ટાઈમટેબલ જોઈને લોકલ ટ્રેનનો પ્રવાસ કરવો, એવું આહવાન રેલવે દ્વારા કરવામાં આવ્યું છે.
આ સાથે રેલવેના હાર્બર લાઇનમાં પણ સીએસએમટીથી ચુનાભટ્ટી/બાન્દ્રા વચ્ચે અપ અને ડાઉન માર્ગમાં સવારે ૧૧.૧૦ વાગ્યાથી બપોરે ૪.૪૦ વાગ્યા સુધી બ્લોકની જાહેરાત કરવામાં આવી છે. બ્લોકને કારણે સીએસએમટીથી વાશી/બેલાપુર અને સીએસએમટીથી બાન્દ્રા/ગોરેગામ જતી બધી લોકલ ટ્રેનોની સેવાને રદ રાખવામાં આવી છે. હાર્બર લાઇનના આ બ્લોકને લીધે પનવેલથી કુર્લા વચ્ચેની ટ્રેન સેવા દર ૨૦ મિનિટે દોડશે એવી માહિતી જાહેર કરવામાં આવી છે.