ગર્લફ્રેન્ડ સાથેની અંગત તસવીરોથી યુવકને બ્લૅકમેઈલ કરનારો અમદાવાદમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગર્લફ્રેન્ડ સાથેની અંગત તસવીરો યુવકના મોબાઈલ ફોનમાંથી ચોરીછૂપીથી પ્રાપ્ત કર્યા બાદ તેને કથિત બ્લૅકમેઈલ કરી ખંડણી વસૂલનારા આરોપીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ખંડણી વિરોધી શાખાએ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી પકડી પાડ્યો હતો.
ધરપકડ કરેલા આરોપીની ઓળખ મૂકેશ કાંતિલાલ રાજપુરોહિત (24) તરીકે થઈ હતી. તેને અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી તાબામાં લેવાયો હતો. વધુ કાર્યવાહી માટે તેને ભાયંદરના નવઘર પોલીસ સ્ટેશનના તાબામાં સોંપાયો હતો.
ભાયંદર પૂર્વમાં રહેતા 20 વર્ષના યુવકે આ પ્રકરણે 17 મેના રોજ નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક્સની વસ્તુ વેચવાનો વ્યવસાય ધરાવતા ફરિયાદીને આરોપીએ સૌપ્રથમ જાન્યુઆરીમાં ફોન કર્યો હતો. આરોપીએ બતાવેલાં ઘડિયાળનાં સૅમ્પલ ફરિયાદીને પસંદ પડતાં તેણે અમુક ઘડિયાળનો ઑર્ડર આપ્યો હતો.
આ પણ વાંચો: પ્રેમિકાની અશ્ર્લીલ તસવીરો પાડી બ્લૅકમેઈલ કરનારા યુવકને કોયતાના 30 ઘા ઝીંકી પતાવ્યો
કહેવાય છે કે પહેલાં આર્થિક વ્યવહાર યોગ્ય રીતે કરી આરોપીએ ફરિયાદીનો વિશ્ર્વાસ કેળવ્યો હતો. જોકે બાદમાં ફરિયાદીના ત્રણ લાખ રૂપિયા લઈને આરોપીએ માલ મોકલાવ્યો નહોતો. ફેબ્રુઆરીમાં આરોપીએ ફરિયાદીને પોતાના ભાયંદરના ઘરમાં બોલાવ્યો હતો. બીજી સવારે નાણાં પરત કરવાનું કહી એ રાતે ફરિયાદીને પોતાના ફ્લૅટમાં રહેવાનો આગ્રહ કર્યો હતો. ફરિયાદી આરોપીના ફ્લૅટમાં રાત રોકાયો હતો ત્યારે આરોપીએ ચોરીછૂપીથી ફરિયાદીના મોબાઈલ ફોનમાંથી તેની ગર્લફ્રેન્ડ સાથેની અંગત તસવીરો પ્રાપ્ત કરી લીધી હતી.
આ પણ વાંચો: બિલ્ડરને બ્લૅકમેઈલ કરી ખંડણી વસૂલવા પ્રકરણે મહિલા સહિત ત્રણ પકડાયાં
બાદમાં આરોપીએ ફરિયાદીના પરિવારજનો અને મિત્રને તસવીર મોકલી બ્લૅકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. ફરિયાદમાં જણાવાયું હતું કે 50 હજાર રૂપિયા ચૂકવ્યા છતાં આરોપી ફરિયાદી પાસેથી વધુ નાણાંની માગણી કરતો હતો. પરિણામે ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના જાલોરનો વતની રાજપુરોહિત અમદાવાદમાં સંતાયો છે. અમદાવાદ પહોંચેલી પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદથી તેને તાબામાં લીધો હતો, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.