વર્લ્ડ કપની સેમિ-ફાઇનલ મેચની ટિકિટોના કાળાબજાર: મલાડથી યુવક પકડાયો
મુંબઈ: વર્લ્ડ કપની ન્યૂઝીલેન્ડ અને ભારતની ટીમ વચ્ચે રમાનારી સેમિ-ફાઇનલ મેચની ટિકિટોના કાળાબજાર કરવા બદલ સર જે. જે. માર્ગ પોલીસે મલાડથી આકાશ કોઠારી નામના યુવકને ઝડપી પાડ્યો હતો. આકાશ કોઠારીએ મેચની ટિકિટો ક્યાંથી મેળવી અને ટિકિટના કાળાબજારમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
વર્લ્ડ કપ-૨૦૨૩ની સેમિ-ફાઇનલ મેચ ૧૫ નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે અને સ્ટેડિયમમાં જઇને મેચ જોવા માટે ક્રિકેટપ્રેમીઓ ખૂબ જ ઉત્સુક છે.
દરમિયાન રવિવારે પોલીસને માહિતી મળી હતી કે મલાડમાં રહેતો આકાશ કોઠારી (૩૦) સેમિ-ફાઇનલ મેચની ટિકિટો તેની મૂળ કિંમત કરતાં ચારથી પાંચ ગણી કિંમતે ક્રિકેટપ્રેમીઓને વેચી રહ્યો છે. તે ટિકિટોના કાળાબજાર કરીને આયોજકોને છેતરી રહ્યો છે.
આ માહિતી મળ્યા બાદ તપાસ માટે ઝોન-૧ના ડીસીપી પ્રવીણ મુંઢેના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી હતી. પોલીસની ટીમે મલાડ વિસ્તારમાં જઇને આકાશ કોઠારીને તેના ઘરેથી તાબામાં લીધો હતો. આકાશને પોલીસ સ્ટેશનમાં લવાયા બાદ તેની સામે ગુનો દાખલ કરાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.