આમચી મુંબઈ

નવી મુંબઈનું કોકડું ઉકેલાયુંઃ મેયર તરીકે ભાજપનાં સુજાતા પાટીલ બિનહરીફ ચૂંટાયા

મુંબઈઃ ભારતીય જનતા પક્ષ (ભાજપ)નાં સુજાતા પાટીલ અને દશરથ ભગત આજે નવી મુંબઈ મહાનગરપાલિકાના (એનએમએમસી)ના અનુક્રમે મેયર અને ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા. સરોજ રોહિદાસ પાટીલે મેયરપદ માટે અરજી પાછી ખેંચી લીધા બાદ સુજાતા પાટીલ બિનહરીફ ચૂંટાયા હતા. આકાશ બાલકૃષ્ણ મઢવી ડેપ્યુટી મેયરની રેસમાંથી ખસી ગયા હોવાનું પાલિકા અધિકારીએ જણાવ્યું હતું.

અગાઉ નગરસેવિકા અને મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળનારાં સુજાતા પાટીલએ પક્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો અને ભારપૂર્વક જણાવ્યું કે સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને પરિવહન આયોજન તેમની પ્રાથમિકતા રહેશે.

માજી સંસદસભ્ય સંજીવ નાઈકે જણાવ્યું હતું કે પ્રચાર દરમિયાન ભાજપ અને શિવસેના વચ્ચેના મતભેદો હવે સમાપ્ત થઈ ગયા છે. મહાયુતિ નવી મુંબઈના વિકાસ માટે એક થઈને કામ કરશે. શિવસેના ભલે વિરોધ પક્ષમાં બેસે, મને ખાતરી છે કે તેઓ વિકાસ કાર્યોને ટેકો આપશે. 111 સભ્યની નવી મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 65 બેઠકો જીતી હતી, શિવસેનાને 43, શિવસેના (યુબીટી)ને બે અને એક બેઠક અપક્ષને મળી હતી. (પીટીઆઈ)

સંબંધિત લેખો

Back to top button