ભાજપનો બાવનકુળે બોમ્બ: કૉંગ્રેસના 22 જિલ્લા કૉંગ્રેસ પ્રમુખો ભાજપમાં જોડાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ એવો દાવો કર્યો છે કે ઓછામાં ઓછા 22 જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપના અમરાવતીના ઉમેદવાર ચોથી એપ્રિલે જાહેર કરવામાં આવશે. ગઢચિરોલીના કૉંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય ડો. નામદેવ ઉસેન્ડીએ મંગળવારે ભાજપમાં પ્રવેશ કર્યો તે પછી બાવનકુળેએ ઉપરોક્ત ધડાકો કર્યો હતો.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા બાવનકુળેએ કહ્યું કે રાહુલ ગાંધી 2047 સુધી ભારતના વડા પ્રધાન નહીં બની શકે અને તેમના નેતૃત્વમાં કોઈને વિશ્વસનીયતા જણાતી નથી.
તેઓ તેમના ભાષણોમાં વારંવાર ઓબીસી અને આદિવાસી સમુદાયોનું અપમાન કરે છે. તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન સ્વાતંત્ર્યસેનાની વિનાયક દામોદર સાવરકરનું પણ અપમાન કર્યું હતું. ભાજપ તેમની પાસે આવનાર દરેકને આવકારશે એમ જણાવતાં તેમણે કોંગ્રેસને તેના ટોચના નેતાઓના પક્ષત્યાગના કારણો પર આત્મપરીક્ષણ કરવા હાકલ કરી હતી. અગાઉ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ અમારી સાથે આવી ગયા છે. પછી નંદુરબારમાંથી પાંચ વખતના વિધાનસભ્ય પદમાકર વાળવી આવી ગયા અને હવે આદિવાસીઓ માટે સખત મહેનત કરનારા તેમ જ આદિવાસી સમુદાયના ડૉ. ઉસેન્ડીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યકત કર્યો છે, એમ બાવનકુળેએ જણાવ્યું હતું.
દ્રૌપદી મુર્મૂને ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનવા પાછળ વડા પ્રધાનની ભૂમિકા હતી. અમારી પાર્ટીમાં નવા આવનારાઓથી કોઈ નિરાશ નથી. અમે એક રાજકીય પક્ષ છીએ અને રાષ્ટ્રીય હિત માટે અમારી સાથે જોડાવા ઈચ્છતા લોકોને આલિંગન આપીશું. અમારી પાસે દરેકને સમાવવા માટે પૂરતી જગ્યા છે. મોદી, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભારત 2029 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, એમ બાવનકુળેએ કહ્યું હતું.