‘જે વોર્ડમાં અમારી તાકાત છે તે છોડીશું નહીં,’ કાર્યકરોની સ્પષ્ટ વાત

મુંબઈ: થાણેની જેમ જ મુંબઈમાં પણ હવે ભાજપના કાર્યકર્તાઓ આક્રમક બની રહ્યા છે. એક તરફ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અમિત સાટમ મુંબઈમાં યુતિ અકબંધ રહેશે એવી વાત કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ કાર્યકર્તાઓ અક્કડ વલણ અપનાવી રહ્યા છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીઓ પહેલા, મુંબઈ ભાજપના કાર્યકરોએ આક્રમક વલણ અપનાવ્યું છે અને નેતૃત્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેઓ એવી માગણી કરી રહ્યા છે કે ‘વોર્ડ નં. 6 સહિત કોઈપણ વોર્ડ જ્યાં ભાજપની મજબૂત પક્કડ છે, તેને કોઈપણ સંજોગોમાં યુતિના ભાગીદાર (શિંદે જૂથ) માટે છોડવામાં આવશે નહીં.
’ જ્યારે કેબિનેટ પ્રધાન આશિષ શેલાર દહિસર વિધાનસભા ક્ષેત્રના ભૂતપૂર્વ પ્રમુખ અરવિંદ યાદવના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે દહિસરના વિધાનસભ્ય મનીષા ચૌધરી, મંડળ પ્રમુખ અમિત સિંહ અને ભૂતપૂર્વ કોર્પોરેટર જીતુ પટેલ સહિત અનેક અધિકારીઓએ સામૂહિક રીતે બેઠકો પર પાર્ટીના દાવાનો પુનરોચ્ચાર કર્યો હતો.
આપણ વાંચો: બીએમસી ચૂંટણીમાં શિવસેના (યુબીટી) એમવીએથી અલગ: રાઉત
કાર્યકરોની આ ઉગ્ર માગણીને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે, શેલારે પ્રમુખ પદ છોડ્યા પછી તરત જ, ‘કૃતજ્ઞતા અભિયાન’ની આડમાં 227 વોર્ડમાંથી ‘ગ્રાઉન્ડ રિપોર્ટ્સ’ એકઠા કરવાનું શરૂ કર્યું છે.
આ પગલું એવો સંકેત આપે છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નજીકના વિશ્ર્વાસુ શેલાર, પાર્ટી માટે વ્યાપક વિજય નક્કી કરવા માટે તેમની સંગઠનાત્મક ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યા છે.
આપણ વાંચો: મુંબઈ મનપાની ચૂંટણી વહેલી તકે યોજો: આદિત્ય ઠાકરે
નવનિયુક્ત પ્રમુખ અમિત સાટમ પણ આ ઝુંબેશને સંપૂર્ણ સમર્થન આપે છે. સાટમે તેને ‘સંયુક્ત રણનીતિ’ ગણાવતા એવી સ્પષ્ટતા કરી હતી કે, ‘શેલાર ભૂતપૂર્વ મંડળ પ્રમુખો સાથે મુલાકાત કરી રહ્યા છે, અને હું વર્તમાન મંડળ પ્રમુખો સાથે મુલાકાત કરી રહ્યો છું. અમે સંપૂર્ણ સંકલનમાં કામ કરી રહ્યા છીએ.
’ શેલાર, સાટમ સાથે, દરેક વોર્ડની વાસ્તવિક સંગઠનાત્મક તાકાતનું મૂલ્યાંકન કરી રહ્યા છે. કાર્યકરોનો આ પડકાર સ્પષ્ટપણે દર્શાવે છે કે દિવાળી પછી તરત જ યોજાનારી વોર્ડ વિતરણ પ્રક્રિયા દરમિયાન, ભાજપ તેના મજબૂત સમર્થન આધાર સાથે વોર્ડમાં મજબૂત દાવો કરશે અને બેઠક ફાળવણીમાં સમાધાન કરવા તૈયાર નહીં હોય. ભાજપ દ્વારા આ સુનિયોજિત અને આક્રમક તૈયારી મુંબઈ મનપાની ચૂંટણી લડાઈમાં નિર્ણાયક પરિબળ બનશે.